હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં JAC નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે આ નેતાઓની અટકાયત કરી છે. આ મામલે હૈદરાબાદ પોલીસનું નિવેદન આવ્યું છે. જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, ઓસ્માનિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલી સમિતિ JACના 8 સભ્યોએ આ હુમલો કર્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
તમને જણાવી દઈએ કે આજે અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ ઓફલાઈન કે ઓનલાઈન કોઈની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે. તો ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલા અકસ્માતથી દુઃખી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા અલ્લુએ કહ્યું હતું કે, તે એક અકસ્માત હતો અને હું પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું કોઈને દોષ આપવા માંગતો નથી. ઘણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેણે એમ પણ કહ્યું કે, જે પણ થયું છે તેના માટે હું માફી માંગુ છું. કોઈ રોડ શો નહોતો, આ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે તેલંગાણાના સીએમ અને અકબરુદ્દીન ઓવૈસીએ તેલંગાણા વિધાનસભામાં અલ્લુ પર નિશાન સાધ્યું હતું. એ પછી જ અલ્લુએ આ બાબતે મૌન તોડ્યું છે.