ભારતના સૌથી મોટા હોમ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ZEE5 એ આજે એક મોટી જાહેરાત કરી છે. ZEE5 એ જાહેરાત કરી કે આગામી તા. 13 મેના રોજ ફક્ત ZEE5 પર જ બોલિવૂડની તાજેતરમાં રિલીઝ થયેલી સફળ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું (The Kashmir Files) ડિજિટલ પ્રીમિયર પ્રસારિત થશે. બોક્સ ઓફિસ પર રેકોર્ડ-બ્રેક સફળતા હાંસલ કર્યા પછી, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હવે ભારતમાં અને અન્ય ઘણા દેશોમાં હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ સહિત ઘણી ભાષાઓમાં Zee5 OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. ચાહકો આ ફિલ્મને જોવા માટે ખુબ ઉત્સાહિત છે.
જાણીતા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની વાર્તા જોઈએ તો, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતોની ભાવનાત્મક વેદના, તેમની વંચિતતાની લાગણી, ભાગી જવાની પીડા, અસ્તિત્વનો ડર અને જીવિત રહેવાના સંઘર્ષના પડઘાને વર્ણવવામાં અદ્ભુત કામ કર્યું છે. આ ફિલ્મની વાર્તા 90ના દાયકાના કાશ્મીરને દર્શાવે છે, જ્યાંથી કાશ્મીરી પંડિતોને પોતાના ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી હતી.
તેની આખી ટીમ Zee5 પર આ ફિલ્મના સ્ટ્રીમિંગથી ખુશ છે. આ વિશે વાત કરતા અભિનેતા અનુપમ ખેરે શેર કર્યું કે, ધ કાશ્મીર ફાઇલ્સ એક એવી ઘટના દર્શાવે છે જે વર્ષો પહેલા આપણા લોકો સાથે બની હતી અને હજુ પણ ઘણા લોકોને ખબર નથી. ફિલ્મની સફળતા એ પ્રમાણિકતાનો પુરાવો છે કે જેની સાથે વિવેક અને ક્રૂએ આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. આ ફિલ્મને દેશભરમાંથી પ્રશંસા મળી અને હવે જે લોકો તેને મોટા પડદા પર જોઈ શક્યા નથી તેમના માટે, ધ કાશ્મીર ફાઇલ્સ વિશ્વભરમાં ZEE5 પર ઉપલબ્ધ થશે.
ફિલ્મમાં અનુપમ ખેરના પૌત્રની ભૂમિકા ભજવતા દર્શન કુમારે શેર કર્યું કે, “ધ કાશ્મીર ફાઇલ્સ મારા હૃદયની ખૂબ નજીક છે, કારણ કે તે મારા માટે કારકિર્દીને નિર્ધારિત કરતી ફિલ્મ છે. મને ખુશી છે કે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મોમાંની એક બની ગઈ છે. હું ZEE5 પર તેના પ્રીમિયરની આતુરતાથી રાહ જોઉં છું અને તેને વધુ લોકો સુધી લઈ જવા માટે આતુર છું.”
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ગત તા. 11 માર્ચે રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી હતી. પહેલા બે અઠવાડિયા સિનેમાઘરો હાઉસફુલ ગયા હતા. આ ફિલ્મની સર્વત્ર પ્રશંસા થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જોકે, આ ફિલ્મ બહુ મોટા બજેટમાં બની ન હતી અને ન તો મોટા પાયે પ્રમોશન કરવામાં આવ્યું હતું. તેમ છતાં, ફિલ્મનું સર્વત્ર શાનદાર પ્રદર્શન હતું.
Published On - 7:28 pm, Mon, 25 April 22