
રિયાલિટી શો લોકઅપ સીઝન 2માં ભાગ લેનારી અને ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવરની પત્ની માધુરી ગ્રોવર પોતાના એક નિવેદનને કારણે ભારે ચર્ચામાં આવી છે. શોમાં તેમણે ત્રીજું બાળક રાખવાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “જો ધનવાન લોકો વધુ બાળકો કરશે તો સંપત્તિ વધશે, જ્યારે ગરીબ લોકો વધુ બાળકો કરશે તો ગરીબી વધશે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને અનેક લોકોએ તેની ટીકા કરી.
શોમાંથી બહાર થયા બાદ માધુરી ગ્રોવરે એક પોડકાસ્ટ દરમિયાન આ સમગ્ર વિવાદ પર ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે તેમના નિવેદનનો અર્થ ખોટી રીતે લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, તેમણે ક્યારેય કોઈને બાળકો ન રાખવાની સલાહ આપી નહોતી, પરંતુ માત્ર આજની પેઢીમાં ઘટતા જન્મદર અંગે ચર્ચા કરી હતી.
માધુરીએ કહ્યું, “આજે ઘણા લોકો બાળકો ન રાખવાનો નિર્ણય લઈ રહ્યા છે. અમે માત્ર એટલું કહી રહ્યા હતા કે જો ધનવાન પરિવારોમાં વધુ બાળકો જન્મે તો સંપત્તિનું સર્જન વધશે, જ્યારે ગરીબ પરિવારોમાં વધતી વસ્તી ગરીબી વધારવાનું કારણ બની શકે છે. આ એક ચર્ચાનો વિષય હતો, કોઈને નિશાન બનાવવાનો પ્રયાસ નહોતો.”
જ્યારે હોસ્ટે તેમને જણાવ્યું કે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને લોકો તેને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકે છે, ત્યારે પણ માધુરી પોતાના નિવેદન પર અડગ રહી. તેમણે કહ્યું, “આખરે દેશને આગળ વધારવામાં અને રોજગાર ઊભો કરવામાં મોટાભાગે ઉદ્યોગપતિઓ અને ધનવાન લોકોનો મોટો ફાળો હોય છે. તેઓ જ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપે છે.”
જ્યારે હોસ્ટે દલીલ કરી કે સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પણ પોતાના પરિશ્રમથી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, ત્યારે માધુરીએ જવાબ આપ્યો કે તેઓ પોતાના નિવેદનથી સહમત છે અને તેમને તેમાં કોઈ અફસોસ નથી.
Meet Madhuri Jain Grover
She is wife of famous entrepreneur Ashneer Grover
According to her only rich peoples are running whole country not poor peoples #LockUpp2 pic.twitter.com/Hq0mEJTdPg— BIGGBOSSFC (@BIGGBOSSOFC) July 15, 2026
સોશિયલ મીડિયા પર થયેલી ટીકા અંગે પણ માધુરીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “સોશિયલ મીડિયા પર લોકો ઘણી વખત વાતનો મૂળ અર્થ સમજ્યા વગર પ્રતિક્રિયા આપે છે. જો કોઈ વ્યક્તિ પોતાને મારા નિવેદન સાથે જોડીને ગરીબ સમજે છે તો તે તેની વ્યક્તિગત લાગણી હોઈ શકે, પરંતુ મેં કોઈ વ્યક્તિ કે વર્ગનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો નહોતો.”
શોમાં માધુરી ગ્રોવરે વધુ એક ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ અને અશ્નીર ગ્રોવર ત્રીજું બાળક ઇચ્છતા હતા. જોકે, પરિવારના સભ્યો તેની તરફેણમાં ન હોવાથી સમય પસાર થઈ ગયો અને તેઓ આ નિર્ણય લઈ શક્યા નહીં. તેમણે એમ પણ કહ્યું કે, “ત્રીજું બાળક માતા-પિતાને યુવાન અનુભવ કરાવે છે. ઘણા સમૃદ્ધ પરિવારોમાં પણ ત્રીજું બાળક છે. શાહરુખ ખાનનું ઉદાહરણ પણ સામે છે. તેથી ‘હમ દો, હમારે દો’નો નિયમ દરેક માટે એકસરખો લાગુ પડતો નથી.”
માધુરી ગ્રોવરના આ નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા હજુ પણ યથાવત છે. કેટલાક લોકો તેમના વિચારોને સમર્થન આપી રહ્યા છે, જ્યારે ઘણા યુઝર્સ તેને અસંવેદનશીલ અને વર્ગભેદને પ્રોત્સાહન આપતું નિવેદન ગણાવી રહ્યા છે.
બોલીવુડની પહેલી અભિનેત્રી જેણે ખરીદ્યો ખાનગી આઇલેન્ડ, આજે છે ₹115 કરોડથી વધુની સંપત્તિની માલિક