બુધવારે જ્યારે વિભાગે સોનુ સૂદ સામે કાર્યવાહી કરી ત્યારે અભિનેતાની 6 મિલકતો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. એક પ્રતિષ્ઠીત મીડિયાના અહેવાલ અનુસાર હવે સોનુ સાથે જોડાયેલા લોકો પણ આઈટી વિભાગની રડાર પર છે.
સોનૂ તાજેતરમાં જ આપ (AAP)ના મેન્ટરશીપ પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે હતો. આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) અભિનેતાના સપોર્ટમાં કહ્યું કે અભિનેતાને કેન્દ્ર સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કારણકે તે જરૂરીયાતમંદ લોકોના મસીહા બની ગયા હતા.
આપ પાર્ટીના ચીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સોનૂના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું કે અભિનેતા માટે લાખો લોકો પ્રાર્થના કરશે. સોનૂને તેમના સારા કામ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે ઓળખાણ મળી છે.
હવે શિવસેના (Shiv Sena) પાર્ટીએ પણ સોનુને સપોર્ટ કર્યો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં (Saamana) પ્રકાશિત તંત્રીલેખ દ્વારા તેઓએ લખ્યું હતું કે ભાજપે સોનૂ સૂદની પ્રશંસા કરી હતી, પરંતુ હવે દિલ્હી અને પંજાબ સરકારોએ તેની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યા પછી તેમને લાગે છે કે સોનુ ટેક્સ છુપાવી રહ્યા છે અથવા હેરફેર કરી રહ્યા છે.
સામનામાં તેઓએ લખ્યું કે ભાજપના નેતાઓ સોનૂની ઈવેન્ટ્સમાં હાજર હતા જેવા કે શિષ્યવૃત્તિ કાર્યક્રમ,જ્યારે તેમણે 16 શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યા હતા. આટલું જ નહી પરંતુ મહારાષ્ટ્રના રાજ્યપાલે સોનુને રાજભવન બોલાવ્યા હતા અને તેમના કામની પ્રશંસા કરી હતી. પરંતુ જ્યારે દિલ્હી અને પંજાબ સરકારોએ અભિનેતાના સામાજિક કાર્યમાં હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે સોનુ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે જ્યારે કોવિડને કારણે દેશવ્યાપી લોકડાઉન હતું, ત્યારે અભિનેતા ઘણા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા હતા. આ સિવાય જ્યાં પણ લોકો ફસાયેલા હતા, પછી ભલે તે વિદ્યાર્થીઓ હોય, મજૂર હોય તેઓએ દરેકને તેમના ઘરે પહોંચાડ્યા હતા. તેમણે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું અને જેમની પાસે ભણવા માટે પૈસા ન હતા તેમને પણ મદદ કરી.
સોનુના આ ઉમદા કાર્યોને કારણે જ તેને મસીહા કહેવામાં આવે છે. ઘણા ચાહકો તેમને ભગવાન પણ માને છે. આ જ કારણ છે કે ઘણા ચાહકોએ તેમના નામ પર મંદિર બનાવ્યું છે તો કોઈ પોતાના મંદિરમાં તેમનો ફોટો રાખીને તેમની પૂજા કરે છે. ચાહકો પણ સોનુના ઘરે ચાલી રહેલી કાર્યવાહીથી નિરાશ છે.
આ પણ વાંચો : સાહિલ ખાનની વધી મુશ્કેલી, મનોજ પાટીલને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સાહિલ ખાન સામે ગુનો દાખલ