કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે ગુજરાતી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
બાળકોને સુવડાતી વખતે માતા અને દાદી તેના સંસ્કારના સિંચન માટે એવા હાલરડાંઓ ગાતા હોય છે કે જેમાંથી બાળકો કંઈક શીખે. આજે શિવાજીનું એ હાલરડું આપણે જોઈશું કે જેની રચના લોકપ્રિય કવિ એટલે કે ઝવેરચંદ મેઘાણીએ કરી છે. તો માણો આ સુંદર મજાનું હાલરડું.
આ પણ વાંચો : Lokgeet Song lyrics: ગુજરાતનું ફેમસ લોકગીત ‘કીડી બિચારી’ની લિરિક્સ જુઓ અને સાંભળો સુંદર ગીત
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા ડોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં યુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા ડોલે.