
ગુજરાતી ફિલ્મ ગોતી લોના ડિરેક્ટર દીપક અંતાણી છે. તેમજ આ ફિલ્મના નિર્માતા ગૌરાંગ ભાવસાર છે. ખાસ વાત એ છે કે, ગુજરાતી ફિલ્મ ગોતી લોમાં દાદાજીના પાત્રમાં બોલિવુડમાં કામ કરી ચૂકેલા તેમજ પદ્મશ્રી વિજેતા મનોજ જોષી પણ જોવા મળશે. આ સાથે માનવ રાવ, મેહુલ બુચ, દિપેન રાવલ,શ્વેતા રાવલ સહિત અનેક કલાકારો જોવા મળશે. આ ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઈટર અશોક ઉપાધ્યાય છે.રથયાત્રાના ભક્તિના રંગની સાથે મનોરંજનના રંગની રસયાત્રા માણવાનું ચૂકશો નહી. હેંગ થઈ ગયેલાં જીવનને રિચાર્જ કરવાનો OTP એટલે “ગોતી લો” ફિલ્મ.
ગુજરાતી ફિલ્મ ગોતી લો ફિલ્મનો વિષય ખુબ જ સુંદર અને રસપ્રદ છે. જેમાં 3 પેઢી વચ્ચેની વાત રજુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શૂટિંગ બામણા ગામ અને વિદેશના લોકેશનને પણ ટકકર મારે તેવા સાબરકાંઠાના સુંદર લોકેશન પર શૂટ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ગોતી લો ફિલ્મમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ સ્વ રમેશ પારેખ લિખિત અને સ્વ પરેશ ભટ્ટ દ્વારા મૂળ સ્વરબધ્ધ જાણીતું બાળગીત હું ને ચંદુ છાનામાના રજુ કરવામાં આવશે.
ગોતી લો ફિલ્મનું પોસ્ટર અને ટાઈટલ ટ્રેક રિલીઝ થઈ ચૂક્યો છે. લોકોને ફિલ્મનું પોસ્ટર ખુબ જ પસંદ આવ્યું છે. મોબાઈલની વર્ચ્યુઅલ સ્ક્રીનમાં હેન્ગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરતી આ ગુજરાતી ફિલ્મ જોવા માટે લોકો આતુર છે. ગોતી લો ફિલ્મ 27 જૂન અષાઢી બીજના દિવસે ગુજરાત અને મુંબઈ તેમજ યુએસએના થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.
ખાસ વાત તો એ છે કે, વર્ચ્યુઅલ ટચ સ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની એક્ચ્યુઅલ દુનિયામાં ડોકિયું કરાવતી પારિવારિક ફિલ્મ ગોતી લો 27 જૂન અષાઢી બીજના દિવસે રિલીઝ થશે.