આ સીઝનમાં કૌન બનેગા કરોડપતિ એ જોવા મળ્યું જે અત્યાર સુધી જોવા નહોતું મળ્યું. અમિતાભ બચ્ચનના શોમાં પહેલીવાર કોઈ સ્પર્ધકે એક્સપર્ટના કારણે જીતેલી રકમ ગુમાવી દીધી હતી. અમે વાત કરી રહ્યા છીએ દિવિત ભાર્ગવની. પ્રાપ્તિ શર્મા બાદ કર્ણાટકથી આવેલા દિવિત ભાર્ગવને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો પરંતુ અફસોસ, ભાર્ગવ આ શોમાંથી 6 લાખ રૂપિયા લઈ શક્યો નહીં.
આ શોમાં સ્પર્ધક જ્યારે પણ ગુંચવાતા જણાય ત્યારે તે એક્સપર્ટની સલાહ લેતાં હોય છે. આટલા વર્ષોમાં ઘણાં સ્પર્ધકો એક્સપર્ટની મદદથી લાખો રૂપિયા જીત્યા છે. આ વખતે પહેલી વાર એવું થયું છે કે, જ્યારે સ્પર્ધકને એક્સપર્ટની સલાહ લેવાનું ભારે પડ્યું છે. 10 વર્ષનો દિવિત ભાર્ગવ શોમાં સારી રીતે રમી રહ્યો હતો. પણ મામલો 6,40,000 રૂપિયાના સવાલ પર અટકી ગયો હતો.
6,40,000ના પ્રશ્નના જવાબ આપવા માટે ભાર્ગવ થોડો કન્ફ્યુઝ જોવા મળ્યો હતો. એટલે તેણે શોમાં હાજર એક્સપર્ટની મદદ લીધી હતી.
સવાલ હતો કે : ક્યા ક્ષેત્રમાં પતિ-પત્નીની જોડીને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર મળ્યો નથી? આ સવાલનો જવાબ આપવા માટે એક્સપર્ટ શ્રીજન પાલ સિંહને શોમાં બોલાવવામાં આવ્યા હતા. ભાર્ગવને આશા હતી કે, તે નિષ્ણાંતની મદદથી 6 લાખ રૂપિયા જીતી લેશે પરંતુ સૃજન પાલ સિંહનો જવાબ ખોટો નીકળ્યો ત્યારે તેની આશા પર પાણી ફરી વળ્યું. આ પછી ભાર્ગવ શોમાંથી માત્ર 3 લાખ 20 હજાર રૂપિયા જ જીતી શક્યો.
સૃજન પાલ સિંહ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. APJ અબ્દુલ કલામના સલાહકારના રૂપમાં કાર્ય કરી ચુક્યા છે. આ સિવાય પણ તે વૈજ્ઞાનિક અને લેખક તરીકે પણ જાણીતા છે. તે માટે તેના પાસેથી ખોટા જવાબની આશા નહોતી. શો પૂરો થયા પછી પણ અમિતાભ બચ્ચને કહ્યું કે, તેમણે પહેલીવાર જોયું છે, જ્યારે કોઈ નિષ્ણાંતે ખોટો જવાબ આપ્યો હોય.
આ એપિસોડ ખરેખર બધા માટે સરપ્રાઈઝિંગ રહ્યો હતો, પણ કહેવાય છે કે લાઈફમાં દરેક વસ્તુ પહેલી વાર થાય છે. કૌન બનેગા કરોડપતિમાં જે થયું, તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય, પણ આ જ સત્ય છે.