ફરાહ ખાન (Farah Khan) આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. ફરાહ ખાન આજે બોલીવુડમાં એક જાણીતું નામ છે. તે ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા, એક્ટ્રેસ અને કોરિયોગ્રાફર છે. તેણે ઘણી હિરોઈનોને આંગળીઓ પર નચાવી છે. તેણે 100થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. આવો જાણીએ તેના બર્થડે પર તેમની ખાસ વાતો.
ફરાહ ખાનનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તેની માતાનું નામ મેનકા છે, જે સ્ક્રીન રાઈટર હની ઈરાનીની બહેન છે. તેના ભાઈનું નામ સાજિદ ખાન છે, જે બોલિવૂડમાં ડાયરેકટર તરીકે કામ કરી રહ્યો છે. આ સિવાય તે કોમેડિયન અને એક્ટર પણ છે.
બહુ ઓછા લોકો જાણે છે કે ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર ફરાહ ખાનના કઝીન છે. ફરાહ ખાને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સોશિયોલોજીમાં અભ્યાસ પૂરો કર્યો. તે માઈકલ જેક્સનથી એટલી પ્રભાવિત થઈ કે તેણે ડાન્સમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું હતું.
તેણે ડાન્સ માટે કોઈની પાસેથી ટ્રેનિંગ લીધી ન હતી, બધું જાતે જ શીખ્યું અને પછી એક ગ્રુપની સ્થાપના કરી હતી. 2004માં ફરાહે શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને ત્રણ બાળકો છે. તેમના પતિ શિરીષ કુન્દર પણ ફિલ્મ નિર્દેશક છે. તેઓ ફિલ્મ ‘મેં હું ના’ફિલ્મના એડિટર અને ‘જોકર’ના ડાયરેક્ટર હતા.
ફરાહનું કરિયર કોઈએ ફિલ્મ છોડ્યા પછી શરૂ થયું. મતલબ કે જ્યારે કોરિયોગ્રાફર સરોજ ખાને ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ છોડી દીધી હતી, ત્યારે તે જગ્યા ફરી ફરાહ ખાને લીધી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ફરાહ શાહરુખ ખાનને ફિલ્મ ‘કભી હા કભી ના’ના સેટ પર મળી હતી અને ત્યારથી બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા અને બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરી છે.
ફરાહ ખાને મોનસૂન વેડિંગ, બોમ્બે ડ્રીમ્સ, વેનિટી ફેર જેવી ફિલ્મો કરી, જેમાં તેણીના કામને જોતા તેને વર્ષ 2004માં શ્રેષ્ઠ કોરિયોગ્રાફર માટે ટોની એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ એ સાચું છે કે તેને 5 વખત ફિલ્મફેર બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ પણ મળ્યો છે. ફરાહનની ડાયરેકટર તરીકે પહેલી ફિલ્મ ‘મેં હું ના’ હતી. જેમાં શાહરૂખ ખાન હીરો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.
આ પછી ફરાહે ‘ઓમ શાંતિ ઓમ’નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મે રિલીઝ દરમિયાન સૌથી વધુ કમાણી કરી. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી. પરંતુ તેની ત્રીજી ફિલ્મ ‘તીસ માર ખાન’ ફ્લોપ ગઈ હતી. ફરાહ ખાને એમટીવી વીડિયો મ્યુઝિક એવોર્ડ્સ માટે કોલંબિયન પોપ સ્ટાર શકીરાના ગીત ‘હિપ્સ ડોન્ટ લાઈ’ના બોલિવૂડ વર્ઝન માટે તેને તાલીમ આપી હતી.
ફરાહ ખાન પણ સારી હોસ્ટ છે. તેણે સેલિબ્રિટી ચેટ શો ‘તેરે મેરે બીચ મેં’ હોસ્ટ કર્યો હતો. આ સિવાય તેણીએ ઈન્ડિયન આઈડલની સીઝન 1 અને સીઝન 2, જો જીતા વોહી સુપરસ્ટાર, એન્ટરટેઈનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ જેવા શો પણ જજ કર્યા હતા. ફરાહ ખાનની કારકિર્દી લાંબી રહી છે. આજે તે 56 વર્ષની થઈ ગઈ છે.
આ પણ વાંચો : Photos : રાની ચેટર્જીએ વગર મેકઅપ શેર કરી સેલ્ફી, ફેન્સ બોલ્યા – Wahh…
આ પણ વાંચો : સુપરસ્ટાર યશે જન્મદિવસે ખોલ્યું રહસ્ય, એક્ટર બનવા માટે માત્ર આટલા પૈસા લઈને ઘરેથી ભાગ્યો હતો