
Varun Dhawan Janhvi Kapoor Film: વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ભેડિયા બાદ વરુણ ધવન હવે બીજી ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની ફિલ્મનું નામ બવાલ (Bawaal) છે, જેમાં તેની સામે જાહ્નવી કપૂર જોવા મળશે. પહેલીવાર દર્શકોને વરુણ અને જાહ્નવીની જોડી જોવા મળશે. આ પહેલા બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.
વરુણ અને જાહ્નવીની આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, જેની જાણકારી મેકર્સે એક પોસ્ટ શેર કરીને આપી છે. સોમવારે ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવ્યું છે, જેમાં વરુણ અને જાહ્નવીની રોમેન્ટિક જોડીની ઝલક જોવા મળી રહી છે.
પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં કેટલાક વોર જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ સાથે પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, દરેક લવ સ્ટોરીનું પોતાનું વોર હોય છે. પોસ્ટર જોઈને લાગે છે કે આ ફિલ્મ યુદ્ધ અને પ્રેમ જેવી વાર્તા પર આધારિત હશે.
આ પોસ્ટરને ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો દ્વારા શેર કરવામાં આવ્યું છે, તેને શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, “બદલેગા સબકે દિલો કા હાલ ક્યોંકિ દુનિયાભર મેં હોને વાલા હૈ બવાલ” આગળ આ ફિલ્મની રિલીઝ વિશે જણાવવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે જુલાઈમાં પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આ ફિલ્મને લઈને મેકર્સે મોટો નિર્ણય લીધો છે. આ પહેલા આ ફિલ્મ ઓક્ટોબરમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને જુલાઈમાં જ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સાથે જ આ ફિલ્મ થિયેટરોને બદલે ઓટીટી પર આવશે.
આ પણ વાંચો : Viral Video : ધ આર્ચીઝની ટીમે બ્રાઝિલમાં કર્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
તમને જણાવી દઈએ કે બવાલ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર 200 થી વધુ દેશોમાં રિલીઝ કરવામાં આવશે. આ પોસ્ટર સામે આવ્યા બાદ એ નક્કી છે કે આ ફિલ્મ જુલાઈમાં જોવા મળશે, પરંતુ રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી કરી રહ્યા છે, જ્યારે તેના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો