બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હવે ઉર્મિલા માતોંડકર વિશે સમાચાર આવ્યા છે કે તેણે તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ઉર્મિલા તેના પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. અભિનેત્રીએ મુંબઈની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.
એક મીડિયા રિપોર્ટમાં મુંબઈની એક કોર્ટ સાથે સંકળાયેલા એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું છે કે, ઉર્મિલા માતોંડકરે લગ્નના 8 વર્ષ બાદ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. સૂત્રને ટાંકીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉર્મિલા માતોંડકરના આ છૂટાછેડા પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા.
રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ પોતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “ઘણા વિચાર કર્યા પછી ઉર્મિલાએ મોહસીન સાથેના લગ્નને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેણે અગાઉ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. “જો કે અણબનાવ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી, છૂટાછેડા પરસ્પર સંમતિથી નથી થઈ રહ્યા.”
ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરે 4 ફેબ્રુઆરી 2016ના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ઘણા ચર્ચામાં રહેતા હતા. કારણ કે તે બંને અલગ-અલગ ધર્મના હતા. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત હતો. વાસ્તવમાં ઉર્મિલા તેના પતિ મોહસીન કરતાં 10 વર્ષ મોટી છે.
મોહસીન અખ્તર કાશ્મીરનો એક બિઝનેસમેન અને મોડલ છે. તે અને ઉર્મિલા માતોંડકર પહેલીવાર 2014માં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્નમાં મળ્યા હતા. તે સમયે ઉર્મિલા અને મોહસીન અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં સાથે જોવા મળ્યા હતા. આ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.