
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વર્ષ 2011માં પોતાની સાથે બનેલી એક હેરાન કરનારી ઘટના વિશે વાત કરી છે. આ મામલો મધ્ય પ્રદેશના પચમઢીમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાનનો છે. તે સમયે સ્વરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહી હતી.
‘તનુ વેડ્સ મનુ’ એક્ટ્રેસે જણાવ્યું કે, તે સમયે તેની પાસે ન તો પોતાની કોઈ ટીમ હતી અને ન તો એવા લોકો, જેની પાસે તે મદદ માંગી શકે. આ જ કારણ હતું કે, તેના માટે તે સ્થિતિનો સામનો કરવો સરળ ન હતો.
એક્ટ્રેસ સ્વરા ભાસ્કર એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ સ્વરા ભાસ્કરનો તાજેતરમાં આપેલો ઇન્ટરવ્યુ છે. ઇન્ટરવ્યુ દરમિયાન સ્વરા ભાસ્કરે એક આઉટડોર શૂટ સાથે જોડાયેલો કિસ્સો યાદ કર્યો.
આ દરમિયાન ફિલ્મના ડિરેક્ટરે કથિત રીતે તેને પરેશાન કરી હતી. તે સમયે સ્વરા શરૂઆતમાં તેના વર્તનને જાતીય સતામણી તરીકે સમજી શકી નહોતી, કારણ કે ડિરેક્ટરે તેને શારીરિક રીતે સ્પર્શ કર્યો ન હતો.
તેણે જણાવ્યું, ‘મને ત્યારે આ સમજ જ ન આવ્યું, જ્યારે આ બધું થઈ રહ્યું હતું… ત્યારે મેં તેને વર્કપ્લેસ પર જાતીય સતામણી તરીકે ઓળખ્યું નહીં, કારણ કે તે માણસે મને શારીરિક રીતે સ્પર્શ કરી નહોતી.’ એક્ટ્રેસે આગળ કહ્યું કે, ‘હું તે સમયે એક અલગ પ્રકારની નબળી સ્થિતિમાં હતી. મારી કોઈ પર્સનલ ટીમ ન હતી અને ન તો એવા લોકો હતા, જેની સાથે હું મદદ માટે સંપર્ક કરી શકું.’
સ્વરાએ જણાવ્યું કે, ઘણા વર્ષો પછી જ્યારે મીટૂ (MeToo) મૂવમેન્ટ દરમિયાન અન્ય મહિલાઓએ પોતાની સાથે થયેલા અનુભવો શેર કર્યા, ત્યારે તેસ ને પોતાની સાથે બનેલી ઘટનાનો અહેસાસ થયો. તે મહિલાઓની વાતો વાંચ્યા પછી તેને સમજાયું કે, ડિરેક્ટરનું વર્તન પણ જાતીય સતામણી હતું. તેણે આગળ જણાવ્યું કે, અન્ય મહિલાઓના અનુભવો સમજ્યા પછી લાગ્યું કે તેની સાથે જે થયું હતું, તે પણ સતામણીનું એક સ્પષ્ટ ઉદાહરણ હતું.
એક્ટ્રેસે જણાવ્યું કે, જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તેનું શિડ્યુલ 56 દિવસનું હતું અને શૂટિંગ શરૂ થયાના થોડા જ દિવસો પછી આ મુશ્કેલી સામે આવવા લાગી હતી. જો કે, તે સમયે સ્વરા પોતાનું કરિયર બનાવવામાં વ્યસ્ત હતી. તે કોઈપણ કિંમતે પોતાનું કામ છોડવા માગતી નહોતી. તેને ડર હતો કે, જો તે પ્રોજેક્ટ છોડી દેશે, તો તેના હાથથી કામ નીકળી જશે.
સ્વરાએ કહ્યું, ‘હું પ્રોજેક્ટ છોડવા માગતી નહોતી. હું મારું કામ ગુમાવવા માગતી નહોતી. મારી પણ પોતાની મહત્વાકાંક્ષાઓ હતી અને તેમાં ખોટું શું છે?’ તેણે જણાવ્યું કે, આખરે તેણે ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સાથે આ વિશે વાત કરી અને તેને પૂરી સ્થિતિ જણાવી.
સ્વરાએ તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરના વખાણ કર્યા, જેણે મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો. એક્ટ્રેસના જણાવ્યા મુજબ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરે માત્ર તેની વાત સાંભળી નહીં પરંતુ શૂટિંગના બાકીના સમયમાં તેનું ધ્યાન પણ રાખ્યું અને તેને સુરક્ષિત અનુભવ કરાવ્યું. સ્વરાએ જણાવ્યું કે, તે વ્યક્તિ આગળ જતા તેનો મિત્ર બની ગયો અને તેના મેનેજર પણ છે.