આજે સાંજે દિલ્હીમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની (National Film Awards) જાહેરાત કરવામાં આવશે. દેશમાં આપવામાં આવતા તમામ પુરસ્કારોમાં રાષ્ટ્રીય પુરસ્કાર સૌથી મોટો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેક ફિલ્મ નિર્માતા અને અભિનેતા આ એવોર્ડ જીતવા ઈચ્છે છે. આ વખતે બોલિવૂડને પ્રાદેશિક ફિલ્મોથી ટક્કર મળવાની આશા છે. એવું માનવામાં આવે છે કે નયટ્ટુ, મિન્નલ મુરલી અને મેપ્પાડિયન જેવી પ્રાદેશિક ફિલ્મો આ વખતે મોટા એવોર્ડ જીતી શકે છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના જ્યુરી સભ્યો આજે દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિજેતાઓના નામની જાહેરાત કરશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી હલચલ મુજબ, આલિયા ભટ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે અને કંગના રનૌત ફિલ્મ થલાઈવી માટે શ્રેષ્ઠ અભિનેત્રીની રેસમાં છે.
આ સિવાય આર માધવનની ફિલ્મ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ પણ આ વખતે ચર્ચામાં છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ નેશનલ એવોર્ડ પર પણ પ્રભુત્વ જમાવશે. આ સિવાય ગત વખતનો શ્રેષ્ઠ અભિનેતા સૂર્યા પણ આ વખતે રેસમાં છે. તેની તમિલ ફિલ્મ જય ભીમ નોમિનેટ થઈ છે. એટલું જ નહીં, ધનુષની ફિલ્મ કર્નન પણ આ વખતે નોમિનેશન લિસ્ટમાં છે. જો કે આ અટકળો છે. હજુ સુધી વિજેતાઓના નામની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
દર્શકો ઘરે બેઠા તેમના ફોન પર આ પ્રેસ કોન્ફરન્સ ઇવેન્ટ જોઈ શકે છે. જો અહેવાલોનું માનીએ તો એવોર્ડની જાહેરાત સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ફેસબુક અને યુટ્યુબ પેજ પર કરવામાં આવશે. એટલે કે તમારા ફેવરિટ સ્ટાર્સને નેશનલ એવોર્ડ મળી રહ્યો છે કે નહીં, તેની જાણકારી તમને ઘરે બેઠા મળી જશે.