આ દિવસોમાં હોલીવુડની ફિલ્મ અવતાર : ધ વે ઓફ વોટરની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. જેમ્સ કેમરોનની આ ફિલ્મ 16 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. દરમિયાન, સમાચાર છે કે આ ફિલ્મ જોતી વખતે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ સમાચાર આંધ્રપ્રદેશના પેદ્દાપુરમ શહેરના છે, જ્યાં એક વ્યક્તિ તેના ભાઈ સાથે અવતાર 2 જોવા ગયો હતો, જો કે તે દરમિયાન તેનું મોત થઈ ગયું. રિપોર્ટ્સ અનુસાર, તે વ્યક્તિનું નામ લક્ષ્મીરેડ્ડી શ્રીનુ છે. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, શ્રીનૂ તેના ભાઈ સાથે ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક તે જમીન પર પડી ગયો. જે બાદ તેનો ભાઈ તેને પેદ્દાપુરમ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. શ્રીનુને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી, જ્યારે ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તે ફિલ્મ જોતી વખતે ઉત્સાહિત થઈ ગયો હતો, જેના કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો.
આ પહેલા જ્યારે વર્ષ 2009માં અવતારનો પહેલો ભાગ રીલિઝ થયો હતો, ત્યારે તે સમયે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. અહેવાલો અનુસાર, તે સમયે તાઇવાનમાં ફિલ્મ જોતી વખતે 42 વર્ષના એક વ્યક્તિએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
લોકો અવતાર 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમરોને પહેલા ભાગની રજૂઆતના 13 વર્ષ બાદ લોકોની રાહ પુરી કરી. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મે ધૂમ મચાવી દીધી હતી. ભારતમાં પણ આ ફિલ્મનો ઘણો ક્રેઝ છે. તરણ આદર્શ અનુસાર, અવતાર 2 એ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 41 કરોડથી વધુની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મ એવેન્જર્સ : એન્ડગેમ પછી ભારતમાં હોલીવુડની બીજી સૌથી મોટી ઓપનર બની ગઈ છે. હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ બીજું શું કરે છે.