સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ હિન્દી સિનેમામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. લતા મંગેશકરે એકલા હિન્દી ભાષામાં 1,000થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. આજે લતાજીનો જન્મદિવસ છે અને તેમના ખાસ દિવસના અવસર પર ચાલો જાણીએ ગાયકના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
આ પણ વાંચો : PM Modi : 57 વર્ષ જૂની ફિલ્મ છે PM મોદીની ‘ઓલ ટાઈમ ફેવરિટ’, લતા મંગેશકરનું આ ગીત હંમેશા સાંભળે છે
લતા મંગેશકર, 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જન્મેલા, ગાયન ક્ષેત્રે તેમના અતુલ્ય યોગદાન બદલ ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિતના ઘણા સન્માનોથી નવાજવામાં આવ્યા છે. લતા મંગેશકરે 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. લતાજીનું જીવન અનેક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. જો કે બાળપણમાં તેમને ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેના પિતાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. લતાના પિતાના મિત્ર માસ્ટર વિનાયક તેમને ગાયન અને અભિનયની દુનિયામાં લાવ્યા.
દરેક વ્યક્તિ જાણે છે કે લતાજીએ ક્યારેય લગ્ન કર્યા નથી. પરંતુ સાથે જ સવાલ એ પણ ઊભો થાય છે કે તેણે લગ્ન કેમ ન કર્યા. કહેવાય છે કે લતાજી એક પુરુષના પ્રેમમાં હતા. પરંતુ તેમની લવ સ્ટોરી અધૂરી રહી. કદાચ તેથી જ તેણે ક્યારેય લગ્ન કર્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લતા મંગેશકર ડુંગરપુર શાહી પરિવારના મહારાજા રાજ સિંહને ખૂબ પ્રેમ કરતી હતી. તેઓ મહારાજા લતાના ભાઈ હ્રદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા. એવું કહેવાય છે કે રાજે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે સામાન્ય પરિવારની કોઈ છોકરીને તેમની વહુ નહીં બનાવે. આ કારણથી તેમણે લતાજી સાથે લગ્ન કર્યા ન હતા.
લતાજીએ આ વિશે ક્યારેય વાત કરી નથી. તેણે લગ્ન ન કરવાનું કારણ કૌટુંબિક જવાબદારીઓ ગણાવી હતી. બીજી તરફ રાજના પણ ક્યાક લગ્ન થઈ ગયા. રાજે લતાજીનું નામ મિટ્ટુ રાખ્યું હતું. તે હંમેશા પોતાની સાથે ટેપ રેકોર્ડર રાખતો હતો. જેમાં લતાજીના કેટલાક ગીતો હતા. રાજ લતાજી કરતા છ વર્ષ મોટા હતા. તેને ક્રિકેટનો ઘણો શોખ હતો. રાજસિંહનું 12 સપ્ટેમ્બર 2009ના રોજ અવસાન થયું હતું. રાજ સિવાય લતાજીએ ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો.
લતાજી પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા, તેઓ દરેકને પ્રેમ કરતા હતા. તેમના પ્રેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમણે પોતાના ભાઈ-બહેનોને ભણાવવા માટે પોતે અભ્યાસ કર્યો ન હતો. લતાજીએ તેમના પિતા સાથે મરાઠી સંગીત નાટકમાં કામ કર્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે તેણે મોટા કાર્યક્રમો અને નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. લતાજીના અવાજના દરેક લોકો દિવાના છે. આજે પણ તેમના અવાજનો જાદુ લોકોના મનમાં છવાયેલો છે.
Published On - 10:08 am, Thu, 28 September 23