
બોલિવૂડના હીરો નંબર 1 એટલે કે ગોવિંદાએ પોતાની એક્ટિંગ અને અંદાજથી લોકોના દિલ ખૂબ જીત્યા છે. ગોવિંદા છેલ્લાં લાંબા સમયથી પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં રહ્યા છે. ગોવિંદા અને સુનિતા આહુજાનો સંબંધ હંમેશાં લાઇમલાઇટ ખેંચતો નજરે પડે છે.
ગોવિંદાનું નામ જ્યાં તેમની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે, તો વળી સુનિતા આહુજા સાથેના તેમના સંબંધોમાં ખટાશ પડવાના અહેવાલો પણ અવારનવાર સામે આવતા રહે છે.
ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ થોડા સમય પહેલાં જ કોર્ટમાં જઈને છૂટાછેડા (ડિવોર્સ)ની અરજી પાછી ખેંચી હતી. આ મામલે હવે ગોવિંદાએ મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે, સુનિતા આહુજા જે કંઈ પણ કરી રહી છે; પોતાના બાળકો માટે કરી રહી છે.
ગોવિંદાએ ઇન્ટરવ્યુ દરમિયાન સુનિતા આહુજાને પોતાનો પહેલો પ્રેમ ગણાવ્યા. તેમણે કોમલ રાણી સ્વર્ણકાર સાથેના અફેયરના અહેવાલો પર કહ્યું, “બદનામી મારા નામનો હિસ્સો રહી છે. મારું નામ જ એવું છે. કોઈએ પ્રેમ કર્યો છે, તો કોઈએ ભવિષ્યવાણી કરી હતી કે; તું દગો આપીશ.” સુનિતા આહુજાનો આભાર માનતા ગોવિંદાએ તેમને ભાગ્યવાન અને લક્ષ્મી ગણાવ્યા. એક્ટરે કહ્યું, “સુનિતા આહુજાની આંખો પર પડદો પડેલો છે.”
સુનિતા આહુજાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. આ મામલે ગોવિંદાએ કહ્યું, “અરજી પાછી લીધી અને લેવી પણ પડશે… કેમ નહીં લે?”
ગોવિંદાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, શું અરજી સુનિતા આહુજાએ ધમકીથી પાછી ખેંચી કે પ્રેમથી? તો તેના પર ગોવિંદાએ જવાબ આપ્યો, “ના ના, આપણે હિન્દુ માણસ છીએ અને આપણા ત્યાં છૂટાછેડા શબ્દ નથી. તમામ વ્યવસ્થાઓ આપણામાં છે.” ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતા આહુજાએ વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીથી છૂપા રહ્યા હતા.