શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘પઠાણ’ને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પઠાણના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકાના આઉટફિટ અને ગીતના બોલને લઈને હોબાળો થયો છે. ગીતમાં દીપિકાની કેસરી બિકીનીને લઈને ઘણા હિન્દુ સંગઠનોએ ફિલ્મમાં ફેરફારની માંગ કરી છે. હવે CBFC ચીફ પ્રસૂન જોશીએ પણ ફિલ્મમાં મોટા ફેરફારો અંગે સંકેત આપ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અધ્યક્ષ પ્રસૂન જોશીએ જણાવ્યું હતું કે સેન્સર બોર્ડે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના નિર્માતાઓને ગીતો સહિત કેટલાક ફેરફારો કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે નિર્માતાઓને જે ફેરફારો કરવા માટે કહેવામાં આવ્યું છે તેના પછી તે જમા કરાવી શકશે.
ફિલ્મ પઠાણ વિવાદથી ઘેરાયેલી છે. 12 ડિસેમ્બરે ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ કર્યા પછી તેને અટકાવાની માંગ ઉઠી છે. ગીતમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણને કેસરી રંગની બિકીનીમાં બતાવવામાં આવી છે. જેની સામે દેશભરમાં દેખાવો થયા હતા અને તેના પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ફિલ્મ તાજેતરમાં પ્રમાણપત્ર માટે CBFC અધ્યયન સમિતિ પાસે પહોંચી હતી અને CBFC માર્ગદર્શિકા મુજબ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ છે, એમ પ્રસૂન જોશીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. સમિતિએ ફિલ્મ નિર્માતાઓને ફિલ્મના ગીતો સહિત સૂચિત ફેરફારો કરવા નિર્દેશ આપ્યો છે અને સિનેમાઘરમાં રિલીઝથી પહેલા તેના સુધારેલા સીન જમા કરે.
જોશીએ કહ્યું કે સીબીએફસીનો ઉદ્દેશ્ય નિર્માતાઓની સર્જનાત્મકતા અને પ્રેક્ષકોની લાગણીઓ વચ્ચે સમાધાન અને સંતુલન શોધવાનો છે. તેમણે કહ્યું, અમારી સંસ્કૃતિ અને વિશ્વાસ ખૂબ સમૃદ્ધ છે અને મેં અગાઉ પણ કહ્યું હતું કે નિર્માતાઓ અને દર્શકોની વચ્ચેના વિશ્વાસને સુરક્ષિત રાખવો સૌથી મહત્વપૂર્ણ છે અને નિર્માતાઓએ આ દિશામાં કામ કરતા રહેવું જોઈએ.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો એ લોકોમાં સામેલ છે. જેમણે ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેમાં ફેરફાર કરવાની માંગ કરી છે. મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડે પણ ઈસ્લામને ખોટી રીતે રજૂ કરવા બદલ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. જો કે, આ દરમિયાન ગયા અઠવાડિયે બીજું ગીત ‘ઝૂમ જો પઠાણ’ પણ રિલીઝ થયું હતું. જ્હોન અબ્રાહમ પણ શાહરૂખ અને દીપિકા સાથે ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
(ભાષા ઇનપુટ)