
લેજન્ડરી અભિનેતા ધર્મેન્દ્રના અવસાન પછી સમગ્ર બોલિવૂડ શોકમાં છે. વિલે પાર્લે સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર થયા, જ્યાં પરિવાર અને ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા. અંતિમવિધિ દરમિયાન તેમની પત્ની હેમા માલિની ભાવનાત્મક બની જતા જોવા મળ્યા હતા. સ્મશાનમાંથી બહાર આવતા તેમની લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને કેમેરા સામે હાથ જોડીને તેમણે સૌને અભિવાદન આપ્યો.
ધર્મેન્દ્રનું અવસાન 89 વર્ષની ઉંમરે થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી તેઓ સારવાર હેઠળ હતા, તબિયતમાં થોડો સુધારો આવ્યો હતો, પરંતુ બાદમાં તેમની સ્થિતિ ફરી બગડી ગઈ અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. તેમની વિદાયને ફિલ્મ જગતમાં ન પૂરાઈ શકે એવું નુકસાન માનવામાં આવી રહ્યું છે.
અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને તેમની પુત્રી એશા દેઓલ ઘરે જતા નજરે પડ્યા. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ મીડિયા સાથે હાથ મિલાવતા અને ત્યારબાદ કારમાં બેસીને રવાના થતા જોવા મળે છે. હેમા માલિનીના ચહેરા પરની ઉદાસી અને ભાવનાત્મક સ્થિતિને કારણે વીડિયો વધુ ચર્ચામાં રહ્યો.
અંતિમવિધિમાં દેઓલ પરિવાર સાથે અનેક બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સલમાન ખાન, સલીમ ખાન, સંજય દત્ત, આમિર ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શબાના આઝમી, પૂનમ ધિલ્લોન સહિત અનેક દિગ્ગજોએ ધર્મેન્દ્રને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી.
ધર્મેન્દ્રને હિન્દી સિનેમાના ‘હી-મેન’ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના લાંબા કારકિર્દીમાં તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ‘ચુપકે ચુપકે’, ‘શોલે’ જેવી ફિલ્મો આજે પણ દર્શકો વચ્ચે એટલી જ લોકપ્રિય છે. તેમની અનેક ફિલ્મોના ગીતો અને સંવાદો આજે પણ લોકોના દિલમાં અમીટ છાપ મૂકી ચૂક્યા છે.