Ajmer 92 Trailer: છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ ફિલ્મ અજમેર 92 (Ajmer 92) ચર્ચામાં છે. ફેન્સ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હાલમાં વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે તે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અજમેરમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો અને પોલીસ-પ્રશાસનને કોઈ સુરાગ પણ ન મળ્યો. ટ્રેલર ખૂબ જ ડિસ્ટર્બિંગ છે અને બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં વર્ષ 1992માં રાજસ્થાનમાં અનેક મહિલાઓ પર થયેલા અત્યાચારની સ્ટોરી બતાવવામાં આવી છે. કેવી રીતે આપત્તિજનક તસવીરો દ્વારા છોકરીઓને બ્લેકમેલ કરીને બળાત્કાર કરવામાં આવતો હતો તે આ ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે. રડતા માતા-પિતા ન્યાય માટે આજીજી કરતા જોવા મળે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે તે જમાનામાં બદમાશો કેવી રીતે નીડર હતા અને આવા દુષ્કૃત્યો કરતા ખચકાતા ન હતા.
(VC: taranadarsh instagram)
તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરને શેર કરતા તરણ આદર્શે કેપ્શનમાં લખ્યું છે કે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ અજમેર 92નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 21 જુલાઈ, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ટ્રેલર પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ટ્રેલર જોયા બાદ લોકો તેના વિશે અલગ-અલગ વાતો કરી રહ્યા છે. કેટલાક તેને રાજસ્થાનની આગામી ચૂંટણી સાથે જોડી રહ્યા છે તો કેટલાક તેને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો : Anupam Kher Tattoo : અનુપમ ખેરે પોતાના માથા પર કરાવ્યું ટેટૂ, લોકોને આપી આ ખાસ ચેલેન્જ, જુઓ Video
ફિલ્મ વિશે વાત કરીએ તો આ પહેલા જ્યારે તેનું ટીઝર રિલીઝ થયું હતું, ત્યારે ફિલ્મને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે આ ટ્રેલરને લઈને લોકોની પ્રતિક્રિયા કેવી છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. ફિલ્મની વાત કરીએ તો તેમાં કરણ વર્મા, રાજેશ શર્મા, અલકા અમીમ, મનોજ જોશી, શાલિની કપૂર અને ઝરીના વહાબ જેવા સ્ટાર્સ જોવા મળશે.
Published On - 6:22 pm, Mon, 17 July 23