Breaking News: ‘ડૉન 3’ છોડવા બદલ રણવીર સિંહ પર લાગ્યો અસહકારનો પ્રતિબંધ! નુકસાની પેટે ₹45 કરોડ વસૂલવાની કરી માંગ

પશ્ચિમી ભારત સિને કર્મચારી સંઘ (FWICE) એ રણવીર સિંહ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ડિરેક્ટર ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટે રણવીર સિંહના કારણે પ્રી-પ્રોડક્શનમાં થયેલા ભારે નુકસાનની વિગતો જાહેર કરી છે.

Breaking News: ડૉન 3 છોડવા બદલ રણવીર સિંહ પર લાગ્યો અસહકારનો પ્રતિબંધ! નુકસાની પેટે ₹45 કરોડ વસૂલવાની કરી માંગ
Image Credit source: TV9 Network
| Updated on: May 25, 2026 | 10:01 PM

બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક ફરહાન અખ્તર વચ્ચે ‘ડૉન 3’ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ રણવીર સિંહ વિરુદ્ધ સત્તાવાર રીતે અસહકાર (Non-Cooperation) નો આદેશ જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. સંગઠનનો આરોપ છે કે રણવીર સિંહે ત્રણ વખત યાદ અપાવવા છતાં રૂબરૂ આવીને આ ગંભીર મુદ્દે ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો છે.

બીજી તરફ, ફિલ્મની જાહેરાત થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવા બદલ એક્સેલ એન્ટરટેઇનમેન્ટે રણવીર સિંહ પાસે હર્જાના પેટે ₹45 કરોડની મોટી રકમની માંગણી કરી છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આખો વિવાદ શું છે અને રણવીર સિંહના કરિયર પર તેની શું અસર પડશે,

શું છે આખો ‘ડૉન 3’ વિવાદ?

ડિસેમ્બર 2025માં, રણવીર સિંહે અચાનક ‘ડૉન 3’ ફિલ્મમાંથી પીછેહઠ કરી લીધી હતી, જે ફિલ્મ તેણે બે વર્ષ પહેલાં સાઇન કરી હતી. રણવીરે આ પાછળ સ્ક્રિપ્ટમાં થયેલા ફેરફારોનું કારણ આપ્યું હતું. તેની બ્લોકબસ્ટર જાસૂસી થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ (જેણે વિશ્વભરમાં ₹3000 કરોડથી વધુની કમાણી કરી) ની ભવ્ય સફળતાના થોડા જ દિવસો બાદ આ નિર્ણય લેવાયો હતો. બીજી તરફ, ફરહાન અખ્તર અને તેના પાર્ટનર રિતેશ સિધવાનીએ આક્ષેપ કર્યો છે કે રણવીરની કમિટમેન્ટના કારણે તેમણે પ્રી-પ્રોડક્શનમાં કરોડો રૂપિયાનું આંધણ કરી દીધું હતું, પરંતુ રણવીર સતત શિડ્યુલ લંબાવતો રહ્યો અને અંતે ફિલ્મ છોડી દીધી.

₹45 કરોડના નુકસાનનો હિસાબ

FWICE ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે મુંબઈમાં મીડિયાને સંબોધતા જણાવ્યું કે, શૂટિંગ શરૂ થવાના માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ રણવીરે ફિલ્મ છોડી દીધી હતી. એક્સેલ એન્ટરટેઇનમેન્ટે પ્રી-પ્રોડક્શનમાં થયેલા તમામ ખર્ચનો ઓડિટેડ હિસાબ રજૂ કર્યો છે. જેમાં 200થી વધુ કર્મચારીઓ માટે હોટેલ બુકિંગ, લોકેશન રેકી, વિદેશ પ્રવાસ અને રણવીર સાથે શૂટ કરાયેલા પ્રોમો વીડિયો પાછળ થયેલો ખર્ચ સામેલ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ₹45 કરોડના વળતરની માંગ કરવામાં આવી છે.

રણવીરના સેક્રેટરીના પત્રથી સંગઠન કેમ નારાજ થયું?

કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે સંગઠને રણવીરને પોતાનો પક્ષ રાખવા બોલાવ્યો હતો, પરંતુ દર 10 દિવસે ત્રણ વાર નોટિસ મોકલવા છતાં રણવીર હાજર ન થયો. તાજેતરમાં તેના સેક્રેટરીએ પત્ર મોકલીને એવો તર્ક આપ્યો કે આ મામલે FWICE ને કોઈ સત્તા કે અધિકારક્ષેત્ર નથી, તેથી તેઓ રણવીરને બોલાવી ન શકે. સંગઠનના પ્રમુખ બી.એન. તિવારી અને જનરલ સેક્રેટરી અશોક દુબેએ સ્પષ્ટ કર્યું કે, ઇન્ડસ્ટ્રીમાં કોઈ સુપરસ્ટાર કાયદા કે ટ્રેડ યુનિયનથી મોટો નથી. જ્યાં સુધી રણવીર પોતે રૂબરૂ આવીને વાત નહીં કરે ત્યાં સુધી દેશભરના ટેકનિશિયનો, સ્પોટબોય અને દૈનિક વેતન ભોગવતા શ્રમિકો તેની સાથે કામ નહીં કરે. આ પ્રતિબંધના કારણે તેની આગામી જાહેરાતો અને ફિલ્મોના શૂટિંગ પર મોટી બ્રેક વાગી શકે છે.

વિવાદ પર રણવીર સિંહ અને ફરહાન અખ્તરની પ્રતિક્રિયા

આ સમગ્ર મામલે રણવીર સિંહના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રણવીર ફિલ્મ જગત અને ડૉન ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે ઊંડું સન્માન રાખે છે. વ્યાવસાયિક ચર્ચાઓ અને અંગત સંબંધો ગરિમા અને પરિપક્વતા સાથે સંભાળવા જોઈએ તેવું રણવીર માને છે, તેથી તેણે અત્યાર સુધી જાણીજોઈને મૌન જાળવ્યું છે અને તેનું પૂરું ધ્યાન આગામી પ્રોજેક્ટ્સ પર છે.

બીજી તરફ, ફરહાન અખ્તરે એક ઈન્ટરવ્યુમાં આ વિવાદ અંગે તટસ્થ વલણ અપનાવતા કહ્યું કે, સિનેમા જગતમાં હંમેશા અણધારી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડે છે. મુશ્કેલ સમય આવે ત્યારે તેને સહજતાથી સ્વીકારીને આગળ વધવું જ સમજદારી છે. આમિર ખાન અને સિદ્ધાર્થ રોય કપૂર જેવા દિગ્ગજોની મધ્યસ્થતા છતાં આ વિવાદ હજુ સુધી ઉકલી શક્યો નથી.

પેનડ્રાઇવ માત્ર ફોટો-વીડિયો સાચવવા માટે નથી ! કોમ્પ્યુટરના લોકથી લઈને સ્માર્ટ ટીવીના સ્ટોરેજ સુધીના આ 5 પાવરફુલ ઉપયોગ જાણી લો

Published On - 10:01 pm, Mon, 25 May 26

Follow Us