મુંબઈની એનડીપીએસ (NDPS) કોર્ટે શાહરુખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનના (Aryan Khan bail rejected) જામીન ફગાવી દીધા બાદ હવે તેના વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આર્યન ખાનના વકીલ સતીશ માનેશિંદે અને અમિત દેસાઈએ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. સ્પેશિયલ NDPS સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવા સામે આ અરજી દાખલ કરવામાં આવી છે.
આ નવી જામીન અરજી દાખલ કર્યા બાદ જસ્ટિસ નીતિન સાંબ્રેએ કોર્ટની કામગીરી આજ માટે મુલતવી રાખી. હવે આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી આવતીકાલે (21 ઓક્ટોબર, ગુરુવારે) સવારે 9.30 પછી થશે. 13 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટના જજ, જસ્ટિસ. વી.વી પાટીલે 20 ઓક્ટોબરે ચુકાદો સંભળાવવાનું કહ્યું હતું. આ અંતર્ગત આજે તેમની જામીન અરજી પર નિર્ણય આવ્યો હતો અને તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે.
આર્યન ખાન સાથે તેના સહ આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમિચાના જામીન પણ ફગાવી દેવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્ણય પર NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ બે શબ્દોમાં પોતાનો જવાબ આપ્યો છે. નિર્ણયનું સ્વાગત કરતાં તેમણે કહ્યું- ‘સત્યમેવ જયતે’. NCBએ આગળ કહ્યું છે કે કોર્ટમાં ન્યાય કરવામાં આવશે અને તેમણે કોર્ટ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
NCBએ આરોપ લગાવ્યો હતો કે આર્યન ખાન ડ્રગ્સ રેકેટ સાથે સંપૂર્ણપણે સંકળાયેલો છે. પુરાવા તરીકે એનસીબીએ કોર્ટ સમક્ષ આર્યન ખાનની વોટ્સએપ ચેટ રજૂ કરી હતી. એનસીબીએ દાવો કર્યો હતો કે આર્યન તે લોકોના સંપર્કમાં હતો, જેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. એનસીબીએ એવો પણ દાવો કર્યો હતો કે આર્યન ખાન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં પણ ડ્રગ્સના વપરાશ અને વ્યવહાર સાથે સંકળાયેલો છે.
એનસીબીના દાવા મુજબ આર્યન ખાન આ ડ્રગ્સ રેકેટનો મહત્વનો ભાગ છે. NCBએ કોર્ટમાં ડ્રગ પેડલર્સ સાથે આર્યન ખાનની ચેટ્સ પણ પુરાવા તરીકે રજૂ કરી હતી. એનસીબીને શંકા હતી કે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે સંબંધિત છે. એનસીબી વતી એવી દલીલ કરવામાં આવી હતી કે જો આર્યન ખાનને જામીન મળે તો તે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી શકે છે.
2 ઓક્ટોબરે એનસીબીએ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત અન્ય સાત લોકોને પકડ્યા હતા. આ પછી 12 કલાકની પૂછપરછ બાદ 3 ઓક્ટોબરે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેમને ફોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને NCB કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. NCB કસ્ટડી સમાપ્ત થયા બાદ તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં છે.
આ પણ વાંચો : Video : ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં આ ગર્ભવતી મહિલા પડી ગઈ, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !
Published On - 8:14 pm, Wed, 20 October 21