
અભિનેત્રી ગૌહર ખાન હંમેશા તેના કામને લઈને ચર્ચામાં રહે છે. 41 વર્ષીય ગૌહર ખાન પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. જો કે, આ દરમિયાન ગૌહરે પતિ ઝૈદ દરબાર સાથે મળીને તેના ફેન્સને એક ખુશખબરી આપી છે.
અભિનેત્રી ગૌહર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ગૌહર પોતાના જીવનની નાની-મોટી ખુશીઓ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન, ગૌહરે તેના પતિ ઝૈદ દરબાર સાથે ફેન્સને એક સરપ્રાઈઝ આપી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતાની બીજી ગર્ભાવસ્થાની ખુશખબરી શેર કરી છે.
ગૌહર અને ઝૈદે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બંને એક અંગ્રેજી ગીત પર રીલ બનાવતા જોવા મળી રહ્યા છે. આ રીલના અંતે, ગૌહર તેનું બેબી ફ્લોન્ટ કરતી જોવા મળી છે. ગૌહર અને ઝૈદ બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. બંને નાચી રહ્યા છે અને તેમના જીવનમાં આવેલી ખુશીનો આનંદ માણી રહ્યા છે. બીજીબાજુ ચાહકો પણ તેમના આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
વીડિયો શેર કરતી વખતે ગૌહર ખાને તેના કેપ્શનમાં લખ્યું, ‘બિસ્મિલ્લાહ!!’ તમારી પ્રાર્થના અને પ્રેમની જરૂર છે. ગૌહર અને ઝૈદની આ પોસ્ટ પર અભિનંદનનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ટીવી સ્ટાર્સથી લઈને મોટી હસ્તીઓ સુધી, બધાએ તેમને અભિનંદન પાઠવ્યા છે. એક ચાહકે તેમના માટે લખ્યું કે, કોઈ તમને નજર ન લગાડે. બીજા એક યુઝરે લખ્યું, તમે સાથે ખૂબ જ ક્યૂટ લાગો છો.
તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2020માં આ કપલે લગ્ન કર્યા હતા. પોતાના કામની સાથે સાથે ગૌહર માતા બનવાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવે છે. તેમના પહેલા બાળકનું નામ ઝેહાન છે.