ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી છે, જ્યારે મેઘાલયમાં ભાજપની જૂની સાથી એનપીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. અહીં પણ ભાજપ સરકારનો હિસ્સો બની શકે છે. જો વાત કરીએ ત્રિપુરાની તો ત્રિપુરાની તમામ 60 સીટોના પરિણામ આવી ગયા છે જેમાંથી ભાજપે 32 સીટ જીતી છે.
આ પણ વાંચો: Meghalaya Election Results: મેઘાલયમાં સત્તાનું કોકડુ ગુંચવાયુ, ગઠબંધનની રાજનીતિ શરૂ
અહીં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. BJP-IPFT ગઠબંધન 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં 33 બેઠકો જીતીને સતત બીજી મુદત માટે પૂર્વોત્તર રાજ્યમાં સત્તામાં પરત ફર્યું છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ભાજપે 32 સીટ જીતી છે જ્યારે ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)એ એક સીટ જીતી છે. ત્યારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ 11 સીટ જીતી છે. તેમજ ત્રિપુરા મોહા પાર્ટીએ 13 સીટ જીતી છે જ્યારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ 3 સીટ જીતી છે.
માણિક સાહાએ કહ્યું, ભાજપની જીત અપેક્ષિત હતી. અમે તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. નિર્ણાયક આદેશથી અમારી જવાબદારી વધી છે. સાહાએ ટાઉન બોર્ડોવલી બેઠક પરથી તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર આશિષ કુમાર સાહાને 1,257 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2018માં અહીં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી.
ત્યારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બિપ્લબ કુમાર દેબને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે, તાજેતરમાં, ચૂંટણીના થોડા મહિના પહેલા, બિપ્લબ કુમાર દેબની જગ્યાએ માનિક સાહાને રાજ્ય સરકારની બાગડોર સોંપવામાં આવી હતી. ચૂંટણી રેલીઓમાં, પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઘણી વખત સ્પષ્ટ કર્યું હતું કે માણિક સાહા આગામી મુખ્ય પ્રધાન હશે.
જોકે, નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેબ વર્મા ચોક્કસપણે ચૂંટણી હારી ગયા છે. આવી સ્થિતિમાં હવે તેમના સ્થાને પ્રતિમા ભૌમિકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. પ્રતિમા કેન્દ્રીય મંત્રી છે અને ભાજપ દ્વારા ધાનપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવામાં આવી હતી. પ્રતિમા લગભગ 3500 મતોથી ચૂંટણી જીતી છે. એવી પણ ચર્ચા હતી કે પ્રતિમા ભૌમિકને પણ મુખ્યમંત્રી બનાવી શકાય છે. જોકે હવે તેની શક્યતા ઓછી જણાય છે. ટીપરા મોથા પણ સરકારનો હિસ્સો બની શકે છે. ટીપ્રા મોથાના વડા પ્રદ્યોત દેબબર્માએ પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.