રાજસ્થાનમાં રિઝલ્ટ પહેલા વધી હલચલ, ગેહલોત- વસુંધરાએ બાગીઓને લગાવ્યા ફોન- વીડિયો

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાને હવે ગણતરીની કલાકો બાકી રહી છે. ત્યારે રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. જો કે એક્ઝિટ પોલ આવ્યા બાદ જ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા બંનેએ અલગ અલગ સમયે ગવર્નર કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી. ગેહલોત અને વસુંધરા ભલે તેને માત્ર શિષ્ટાચાર મુલાકાત ગણાવે પરંતુ રાજસ્થાનની દિગ્ગજ પાર્ટીના બંને ધુરંધરોની આ મુલાકાતે લઈને પણ અનેક કયાસ લગાવવામાં આવી રહ્યા છે.

| Edited By: | Updated on: Dec 02, 2023 | 9:01 PM

રાજસ્થાનમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. પરંતુ એક્સિસ માય ઈન્ડિયા અને ટુડે ચાણક્યના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નેક ટુ નેક સ્પર્ધા થવાનું અનુમાન છે. બંને એજન્સીના સર્વે અનુસાર રાજ્યમાં કોંગ્રેસ પાતળી બહુમતી સાથે આગળ નીકળતી જોઈ શકાય છે, જ્યારે એક્સિસ માય ઈન્ડિયાના પોલ મુજબ ભાજપને 80થી 100 અને કોંગ્રેસને 86થી 106 બેઠક મળી રહી છે. જો કે પોલ ઓફ પોલ્સ એટલે કે તમામ એક્ઝિટ પોલના સરેરાશ સર્વેને જો જોવામાં આવે તો રાજસ્થાનમાં ભાજપની સરકાર બની રહી છે.

ક્રાઈસિસ મેનેજેમેન્ટ માટે ગેહલોત- વસુંધરા થયા સક્રિય

એક્ઝિટ પોલમાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ અપક્ષો અને બાગી ઉમેદવારો સાથે સંપર્ક સાધવાની કવાયત તેજ કરી દીધી છે. રાજસ્થાનમાં હાલ ભાજપે સત્તાવાર રીતે કોઈને સીએમના ચહેરા તરીકે પ્રોજેક્ટ નથી કર્યા, પરંતુ વસુંધરા રાજેની સક્રિયતાને જોતા અનેક કયાસ લગાવવામા આવી રહ્યા છે. જો રાજસ્થાનના ચૂંટણી પરિણામો ભાજપની તરફેણમાં રહે છે તો કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશની કમાન ફરી વસુંધરાના હાથમાં સોંપી શકે છે.

રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસે શરુ કરી તૈયારી

બંને પાર્ટીઓ જો જીતનો જાદુઈ આંકડો મેળવવામાં સફળ નથી રહેતી અને 5થી10 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે તો કોંગ્રેસમાંથી અશોક ગેહલોત અને ભાજપના વસુંધરા રાજેએ સમીકરણ સેટ કરવામાં માહેર છે. આ બંને પ્રદેશના રાજકારણના અઠંગ ખેલાડીઓ છે. હાલ રાજસ્થાનમાં બંને પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી લીધી છે. ભાજપના આરોપ મુજબ કોંગ્રેસે તેમના ધારાસભ્યો તૂટે નહી આથી બેંગલોર શિફ્ટ કરવા માટે રિસોર્ટ પણ બુક કરી રાખ્યો છે. તો બીજી તરફ ખાનગી ચાર્ટર પ્લેન પણ તૈયાર રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

હાલ પ્રદેશના બંને દિગ્ગજ નેતાઓની રાજ્યપાલ સાથેની મુલાકાત એ તરફ ઈશારો કરે છે કે બંને પાર્ટીઓમાં હાઈકમાને કટોકટીની સ્થિતિમાં તેમને જવાબદારી સોંપી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મુખ્યમંત્રી પદના અનેક દાવેદારો છે પરંતુ રાજસ્થાનમાં ક્રાઈસીસ મેનેજમેન્ટના મામલે ગેહલોત અને વસુંધરાના કદનો બીજો કોઈ નેતા નથી. હવે બસ ગણતરીની કલાકો બાકી છે ત્યારબાદ રાજસ્થાનનું એક્ઝેટ પરિણામ સામે આવી જશે.

આ પણ વાંચો: પરિણામ પહેલા tv9 સમક્ષ રાજસ્થાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.પી. જોષીનો દાવો, કોંગ્રેસ 50નો આંકડો પણ નહીં કરે પાર- વીડિયો

વસુંધરાએ ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડનારા બાગીને લગાવ્યો ફોન

પ્રદેશના બંને દિગ્ગજો અપક્ષો અને બાગીઓ સાથે સંપર્ક સાધવામાં લાગેલા છે. આ સમગ્ર કવાયત પાછળ ત્રિશંકુ વિધાનસભા થવાની સ્થિતિમાં બહુમતનો આંકડો મેળવવા માટેની કસરત દેખાઈ રહી છે. આ જ શૃંખલામાં વસુંધરા રાજેએ સાંચોરના પૂર્વ ધારાસભ્ય અને આ વખતે અપક્ષ લડનારા જીવારામ ચૌધરીને ફોન કરી જન્મદિવસની શુભેચ્છા આપી હતી. જો કે જીવારામે વસુંધરાને જણાવ્યુ કે જીતનું સર્ટિફિકેટ લઈ જયપુર પહોંચી રહ્યો છુ. ઝાલોરના સાંચોર વિધાનસભા બેઠક પરથી બળવાખોર બનેલા જીવારામ ચૌધરી સતત બીજીવાર અપક્ષ ચૂંટણી લડ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:57 pm, Sat, 2 December 23