હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીના (BJP) ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ પાર્ટીમાં બળવો પણ શરૂ થઈ ગયો છે. સાથે જ પાર્ટી હાઈકમાન્ડ તેના પર લગામ લગાવવા કડક વલણ અપનાવી રહી છે. ટિકિટની જાહેરાત બાદ 18 વિધાનસભા મતવિસ્તારોમાં બળવાખોરી બાદ પાર્ટીની ટોચની નેતાગીરી રાજ્ય અને કેન્દ્રીય સ્તરે સક્રિય બની છે. અસંતુષ્ટ ધારાસભ્યો કોઈ પણ પ્રકારે રાજકીય નુકસાન કરે તે પહેલા સ્થિતિ પર નિયંત્રણ લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પાર્ટીના નેતાઓના બળવો અને તેનાથી થનારા સંભવિત નુકસાનને સમજીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પાર્ટીના ચૂંટણી પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, બિહારના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેને બોલાવ્યા હતા. રાજ્ય પાર્ટીના અધ્યક્ષ સુરેશ કશ્યપ, પાર્ટીના પ્રભારી અવિનાશ રાય ખન્ના અને નાયબ મુખ્યમંત્રી સંજય ટંડનને બળવાખોરોને શાંત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ચંબામાં ભાજપે સૌથી પહેલા ઈન્દિરા કપૂરને ટિકિટ આપી હતી. જેના વિરોધમાં સીટીંગ ધારાસભ્ય પવન નય્યરે ‘નારાજ રેલી’ કાઢી હતી. જે બાદ પાર્ટીએ નિર્ણય બદલ્યો અને નૈયરની પત્ની નીલમને મેદાનમાં ઉતાર્યા. આ નિર્ણય બાદ ઈન્દિરા કપૂર અને તેમના સમર્થકોએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો હતો. તેમણે નારાજ રેલીની સામે ‘આક્રોશ રેલી’ કાઢીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, ગયા મહિને ભાજપમાં જોડાયેલા હર્ષ મહાજને ઈન્દિરા કપૂરને મળીને તેમને શાંત પાડ્યા હતા.
તો બીજી બાજુ ભરમૌરમાં, ભાજપે વર્તમાન ધારાસભ્ય જિયા લાલ કપૂરની ટિકિટ કાપ્યા પછી, ન્યુરોસર્જન અને IGMCના ભૂતપૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ જનક રાજ પાખરેટિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ પછી ધારાસભ્ય જિયા લાલ કપૂર અને તેમના સમર્થકો ગુસ્સે થઈ ગયા.
નાલાગઢના પૂર્વ ધારાસભ્ય કે એલ ઠાકુરને ભાજપમાંથી ટિકિટ ન મળવા પર બળવો કર્યો. તેમણે અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભાજપે પક્ષ સમર્થિત ધારાસભ્ય લખવિંદર સિંહ રાણાને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. બે મહિના પહેલા જ લખવિંદર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે સમયે પણ પાર્ટીમાં તેમનો ઘણો વિરોધ કરાયો હતો.
રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા કાંગડામાં ભાજપની અંદર અસંતોષ વધી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારના ખાસ વ્યક્તિ ગણાતા પૂર્વ ધારાસભ્ય પ્રવીણ શર્માને ટિકિટ ન મળવાથી નારાજ છે. બળવાખોર સૂર અપનાવતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રવીણ અપક્ષ ઉમેદવાર હતા. તે સમયે પાર્ટીએ ઈન્દુ ગોસ્વામીને ટિકિટ આપી હતી, જેઓ હવે રાજ્યસભાના સભ્ય છે. પ્રવીણ શર્માની ઉમેદવારીને લઈને બળવાખોર નેતાઓના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ સંબંધમાં પાર્ટીના પ્રભારી અવિનાશ રાય ખન્નાએ પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારની હાજરીમાં શર્મા સાથે મુલાકાત કરી હતી. અને તેમને શિસ્તમાં રહેવા જણાવાયું હતું.
આ પછી અવિનાશ રાય ખન્ના જાવલીના ધારાસભ્ય અર્જુન ઠાકુરને પણ મળ્યા હતા. જેને ટિકિટ ન મળવાના કારણે પક્ષ વિરોધી વલણ અપનાવ્યું છે. આ વખતે ભાજપે જાવલીથી સંજય ગુલેરિયાને પોતાના ચહેરા તરીકે પસંદ કર્યા છે. જોકે, ખન્નાએ ખાતરી આપી છે કે બંને નેતાઓ પાર્ટીને સમર્થન આપવા તૈયાર છે.