આજે વહેલી સવારથી જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. હિમાચલ પ્રદેશમાં 68 સીટમાંથી હાલમાં 39 સીટ પર કોંગ્રેસ પોતાની જગ્યા બનાવી લેશે તે નક્કી લાગી રહ્યું છે. ત્યારે ભાજપ 26 સીટ પર આગળ ચાલી રહ્યું છે અને અન્ય પક્ષોની વાત કરીએ તો 3 સીટ પર અપક્ષનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.
ત્યારે હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર પણ મેદાનથી ના હટનારા ભાજપના બળવાખોર નેતા કૃપાલ પરમાર માટે હાલમાં ડિપોઝિટ બચાવવી પણ મુશ્કેલ બન્યું છે. ફતેહપુર વિધાનસભા સીટથી મેદાનમાં ઉતરેલા કૃપાલ પરમાર સવારથી જ પાછળ ચાલી રહ્યા છે અને કટ્ટર હાર મળે તો કોઈ નવાઈની વાત નહીં રહે. ફતેહપુર સીટ પર ભાજપના ઉમેદવાર રાકેશ પઠાનિયા અને કોંગ્રેસ ઉમેદવાર ભવાનીસિંહ પઠાનિયાની વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ફતેહપુર સીટથી ભાજપના મંત્રી રાકેશ પઠાનિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેનાથી નારાજ થઈને કૃપાલ પરમાર ફતેહપુર સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ તેમને મનાવવાના ખુબ જ પ્રયત્નો કર્યા હતા પણ તે પોતાની વાત પર અડગ રહ્યા હતા.
અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા બાદ કૃપાલ પરમારનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન મોદીએ જાતે જ ફોન કરીને તેમને ચૂંટણી ના લડવા માટે કહ્યું હતું પણ વડાપ્રધાન મોદીની વાત ના માનીને કૃપાલ પરમાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમિયાન કૃપાલ પરમારે ભાજપ અધ્યક્ષની ફરિયાદ પણ કરી હતી.
કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવારને પોતાની ડિપોઝિટ બચાવવા માટે કુલ મતનો છઠ્ઠો હિસ્સો એટલે કે 16.6 ટકા મત લાવવાના હોય છે. અત્યાર સુધી ફતેહપુરમાં 70 ટકાથી વધારે મતોની ગણતરી થઈ ચૂકી છે. હાલમાં કોંગ્રેસ ઉમેદવાર ભવાનીસિંહ પઠાનિયા આગળ ચાલી રહ્યા છે. તેમની પાછળ ભાજપ ઉમેદવાર મંત્રી રાકેશ પઠાનિયા છે.