ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે અલગ અલગ વિસ્તારોમાં સભા ગજવ્યા બાદ આજે પણ અમિત શાહ પ્રચારના મેદાનમાં છે. અમિત શાહે આજે જસદણમાં ઉમેદવાર કુંવરજી બાવળિયા માટે પ્રચાર સભા સંબોધી. આ જનસભામાં તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
જસદણમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે જસદણ એ માત્ર સભાની બેઠક નથી. તેમના કામ કરવાની બેઠક છે. કુંવરજીભાઈને મેં પહેલા વિધાનસભામાં કામ કરતા જોયા છે. તમારો એક મત ગુજરાતનું આગામી ભવિષ્ય નક્કી કરશે. કોંગ્રેસ વર્ષો સુધી સૌરાષ્ટ્રને તરસ્યુ રાખ્યું. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ભાજપે દૂર કરી. પહેલા ગાંધીનગરમાંથી પાણી માટે ટ્રેન મોકલવી પડતી હતી તો નર્મદા યોજનાને પણ કોંગ્રેસે રોકી હતી.
સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જસદણમાં ઝંઝાવાતી પ્રચાર કરી કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું, છતાં સૌરાષ્ટ્ર તરસ્યું રહ્યું પણ ભાજપે સૌરાષ્ટ્રવાસીઓની પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરી. તેમણે કહ્યું કે વર્ષો સુધી નર્મદા યોજનામાં રોડા નાંખનારા મેધા પાટકર રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા. ગુજરાત વિરોધીઓને સાથ આપીને કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવે છે. અરવિંદ કેજરીવાલે પણ 2014માં મેધા પાટકરને ટિકિટ આપી હતી. જો કે કેજરીવાલ સમજી વિચારીને મેધા પાટકરને ગુજરાતમાં નથી લાવતા.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.