ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનોએ પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 લોકોની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલ કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.
ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોર આદિવાસી નેતા છે અને કોલેજકાળથી સમાજ સેવા સાથે જોડાયેલા છે. શિક્ષિત અને વ્યવસાયે પ્રોફેસર કુબેર ડીંડોર સાબરકાંઠાની તલોદ કોલેજમાં ફરજ બજાવતા હતા. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર PHD થયેલા છે. તેમની જંગમ મિલકત 44,21,671.84 છે. છેલ્લા ઘણા સમયથી મધ્યગુજરાતને અલગ યુનિવર્સિટી મળે તે માટે તેમના પ્રયાસો રહ્યા છે. છેલ્લે સંતરામપુરથી સ્વ પ્રબોધકાંત પંડ્યા રાજ્યના ગૃહ અને શિક્ષણ વિભાગના મંત્રી હતા, ત્યારબાદ આ પંથકમાંથી કોઈને મંત્રીપદ અપાયુ ન હતુ. લાંબા સમય બાદ કુબેર ડીંડોરને કેબિનેટમાં સ્થાન મળ્યુ હતુ. કુબેર ડીંડોર તાજેતરમાં રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ સંસદીય બાબતોના મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. હવે તેમને ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 નવા ચહેરામાં સામેલ કરવામાં આવ્યા છે.
સંતરામપુર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 123 નંબરની બેઠક છે. સંતરામપુર મહિસાગર જિલ્લામાં આવે છે. સંતરામપુર આ તાલુકાનું મુખ્ય મથક છે જે દાહોદ લોકસભા બેઠકમાં આવે છે. સંતરામપુરમાં 151 જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીમાં સુકી નદી, ચિબોટા નદીનો સમાવેશ થાય છે. 1947 પહેલાં સંતરામપુર રજવાડું હતું જે આઝાદી પછી 10 જૂન, 1948ના રોજ ભારતમાં ભળી ગયું હતું. રાજ્યના શાસકો પરમાર વંશના રાજપૂતો હતા. સંતરામપુરમાં હવા મહેલ, માનગઢ ટેકરી, કડાણા બંધ, મા ભુવનેશ્વરી મંદિર, મા હરસિદ્ધિ મંદિર, રવાડી મેળો જોવાલાયક સ્થળો છે.
નામ: કુબેર ડીંડોર
પિતાનું નામ: મનસુખભાઈ
જન્મ તારીખ: 1 જૂન, 1970
જન્મસ્થળ: ભંડારા
વૈવાહીક સ્થિતિ :પરિણીત
જીવનસાથીનું નામ: જાગૃતિબહેન
સર્વોચ્ચ લાયકાત: ડોક્ટરેટ
અન્ય લાયકાત: એમ.એ., પી.એચ.ડી.
કાયમી સરનામું: 315, સેવાશ્રમ, અમરદીપ સોસાયટી, કોલેજ રોડ, મુ. પો. સંતરામપુર, જિ. મહીસાગર. પીનકોડ- 389 260
મત વિસ્તારનું નામ: સંતરામપુર
અન્ય વ્યવસાય: એસોસિયેટ પ્રોફેસર, શ્રી શેઠ એચ. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તલોદ, સાબરકાંઠા
પ્રવૃત્તિઓઃ ચેરમેન, વનવિકાસ નિગમ, 2014-17. મહામંત્રી, આદિજાતિ મોરચો, ગુજરાત પ્રદેશ ભા.જ.પ. 2013થી કાર્યરતશોખ: વાંચન-લેખન, ક્રિકેટ