ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર મેદાનમાં વડાપ્રધાન મોદી પોતે ઉતરી ગયા છે. વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ બે દિવસમાં આઠ સભાઓ ગજવવાના છે. PM મોદી આજે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં પ્રચાર કરવાના છે. આ પ્રવાસમાં વડાપ્રધાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને આદિવાસી વિસ્તારને આવરી લેવાના છે. 2017ની ચૂંટણીમાં ઘણી બેઠકો ભાજપે આ વિસ્તારોમાં ગુમાવવી પડી હતી. 2022માં પણ કેટલીક સ્થિતિને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી પોતે જ આ વિસ્તારોમાં સીધો પ્રચાર જનતા સાથે કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તમામ વિસ્તારથી સારી રીતે જાણકાર છે. તે અત્યાર સુધીમાં જે પણ જિલ્લામાં જતા હોય છે, તે જિલ્લામાં પોતે મુખ્યમંત્રી હતા ત્યારે કેવી રીતે કનેક્ટેડ હતા અને એ જિલ્લાનું કેટલુ મહત્વ છે તે તમામ જાણકારી રાખે છે. વડાપ્રધાન મોદી લોકો સાથે સીધો સંવાદ કરતા હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ લોકો સાથે તેમનું એક કનેક્શન બનતુ હોય છે. આ વખતના તેમના પ્રવાસની વાત કરીએ તો બે દિવસમાં 8 સભાઓ તેઓ ગજવવાના છે. તેમાં ખાસ કરીને બીજા તબક્કાની બેઠક પર ફોકસ કરવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત કે આદિવાસી વિસ્તાર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.
આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપને સફળતા મળતી નથી. ગુજરાતમાં હંમેશા ઉમરગામથી અંબાજી બેલ્ટ પર ભાજપ કરતા હંમેશા કોંગ્રેસને વધારે બેઠકો મળતી રહી છે. આ વિસ્તારોમાં BTPનો દબદબો રહે છે. કેન્દ્ર સરકારની વાત હોય કે રાજ્ય સરકારની વાત હોય આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ યોજનાઓને ચૂંટણી સમયે એનકેશ કરવુ જોઇએ તે નથી કરી શકાતુ. તેથી જ વડાપ્રધાનના પ્રવાસ આદિવાસી વિસ્તારોમાં યોજવામાં આવી રહ્યા છે.
અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં પણ તેમનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે.2017ની અંદર મહેસાણા જિલ્લાની સાત બેઠકમાંથી પાંચ ભાજપ પાસે આવી હતી. મહેસાણા જિલ્લામાં પાટીદારોનું પ્રભુત્વ સૌથી વધુ છે. 2017માં પાટીદાર આંદોલનની વચ્ચે પણ પાંચ બેઠકો ભાજપે કબ્જે કરી હતી. જો કે ઊંઝા બેઠક ભાજપે ખોવાનો વારો આવ્યો હતો. પાછળથી આશાબેન પટેલ પેટા ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા અને ઊંઝા બેઠક પણ ભાજપ પાસે આવી ગઇ હતી.
તો 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનથી પ્રભાવિત બેલ્ટ સૌરાષ્ટ્ર હતા. ત્યારે PM મોદી આજે ભાવનગરમાં પણ સભા સંબોધવાના છે. ભાવનગરમાં ગઇ વખતે સાત બેઠકમાંથી છ બેઠક પર ભાજપનો ભગવો હતો.જો કે ભાજપે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. વડોદરામાં પણ PM પ્રચાર કરવાના છે. આ વખતે વડોદરામાં મધુ શ્રીવાસ્તવ, દીનુ મામા કે સતીષ પટેલની વાત હોય અહીં નારાજગી જોવા મળી છે. ત્યારે વડોદરામાં સીધો પ્રચાર વડાપ્રધાન કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. વડોદરામાં ગ્રામ્ય અને જિલ્લાની 10 બેઠક પૈકી 2017ની ચૂંટણીમાં ભાજપને 8 બેઠક મળી હતી. બે બેઠક ગુમાવવી પડી હતી.
દાહોદ જિલ્લામાં 2017માં 6 બેઠક પર ભાજપને ત્રણ અને કોંગ્રેસને ત્રણ બેઠક મળી હતી. આદિવાસી વિસ્તારમાં ભાજપની બેઠક કઇ રીતે વધારવામાં આવે આ તમામ રણનીતિ PM મોદીના પ્રચાર અભિયાનમાં જોવા મળશે. 2022ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને ઐતિહાસિક ચૂંટણી કહી રહ્યા છે. ત્યારે કોઇ પણ રીતની ચુક ન રહી જાય તે માટે PM મોદીએ પ્રચારનું નેતૃત્વ પોતે જ લીધુ છે. તેના કારણે PM મોદીનો ફરી બે દિવસનો પ્રવાસ ગુજરાતમાં ગોઠવાઇ રહ્યો છે.
Published On - 11:40 am, Wed, 23 November 22