ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીને લઇને હવે રાજનીતિક હલચલ તેજ બની છે. આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનો પક્ષ મજબૂત બનાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ વધુ એક વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) 1 મેના ગુજરાત આવી રહ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે એક જંગી રેલી અને સુરત જિલ્લામાં જાહેર સભા યોજશે. તેની સાથોસાથ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જોડાણની પણ જાહેરાત કરી શકે છે.
ગત માસમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુ વસાવા અને તેના પુત્ર મહેશ વસાવાએ દિલ્હીમાં કેજરીવાલ સાથે બેઠક કરી હતી. તેમને દિલ્હીના સ્કૂલ મોડલ દેખાડવા પણ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા લઇ ગયા હતા. આ રીતે તેમને આમ આદમી પાર્ટીના પ્રભાવ હેઠળ લાવવા પ્રયત્ન થયો છે. ખાસ કરીને આ ચૂંટણીમાં દક્ષિણ ગુજરાત અને આદિવાસી ક્ષેત્રોમાં તમામ પક્ષો જોર લગાવી રહ્યા છે. સુરતને બાદ કરતાં દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું સારુ પ્રભુત્વ છે અને ગઇકાલે જ તાપીના સોનગઢમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે યુવા સ્વાભિમાન સંમેલન યોજ્યું હતું. જેમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ જોડાયા હતા અને તુષાર ચૌધરી પણ ફરી સક્રિય થઇ ગયા છે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દક્ષિણ ગુજરાત કાર્યક્રમ પણ ગોઠવાઈ રહ્યો છે. હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ વન ડે વન ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમના ભાગરુપે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરી રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આપનું જોડાણ નિશ્ચિત છે અને આ રીતે બીટીપી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. આ ક્ષેત્રમાં 35 બેઠકો છે. સમગ્ર આદિવાસી ક્ષેત્રમાં બીટીપી ઓછામાં ઓછી 25 થી 27 બેઠક લડવા માગે છે. દાંતાથી ડાંગ સુધીના વિસ્તારમાં કેટલીક નોન રિઝર્વ બેઠક પર બીટીપીએ દાવો કર્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પક્ષ મજબૂત બનાવી શકે છે. પરંતુ હાલ કોંગ્રેસ અને ભાજપ બંનેની વોટ બેંકમાં ગાબડુ પાડવા આપને બીટીપીની જરુર છે. વડાપ્રધાન મોદીએ એટલે કે ભાજપે આદિવાસી ક્ષેત્રમાં હાલમાં જ દાહોદમાં એક જંગી રેલી યોજી હતી. લાખો બહેનોને એકઠા કરીને ભાજપનો પ્રચારનો પ્રારંભ કર્યો છે તે સમયે હવે કેજરીવાલ તેને અને કોંગ્રેસને બંનેને પડકારવા આવી રહ્યા છે પરંતુ જો બીટીપી સાથે તેનું જોડાણ ન થાય તો કદાચ આપ માટે કોઇ શક્યતા નથી અને બીટીપી પણ અત્યાર સુધી પિતા-પુત્રની બે બેઠકોથી જીતતી રહી છે. પરંતુ તે 25 થી 27 બેઠકો લડે તો કેટલો પ્રતિસાદ મળે તે પણ પ્રશ્ન છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો