રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યુ છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ શુક્રવારે ઈ-પ્લેડ્ઝ લીંક લોન્ચ કરી હતી.આ લોન્ચિંગના માત્ર 24 જ દોઢ લાખથી વધુ જાગૃત મતદારોએ ઈ-પ્લેડઝ દ્વારા મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આગામી ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે એક પહેલના ભાગરૂપે ચૂંટણી સેતુ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી મતદાર પ્રતિજ્ઞાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદારોએ https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx લીંકનો ઉપયોગ કરી મતદાન માટે પ્રતિજ્ઞા લઈને પોતાનું પ્રતિજ્ઞા પત્ર ડાઉનલોડ કર્યું છે.
ઈ-પ્લેડ્જના લોન્ચિંગ સમયે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અપીલ કરતાં જણાવ્યું હતું કે મહત્તમ મતદારો આ મતદાન પ્રતિજ્ઞા કેમ્પેઈનમાં જોડાઈ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને. સાથે જ આ ઈ-પ્લેડ્જની કૉપી પોતાના સોશિયલ મીડિયાના માધ્યમોમાં શૅર કરે, જેથી અન્ય લોકો પણ મતદાન માટે સંકલ્પ લેવા પ્રેરાય. મહત્તમ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા સુનિશ્ચિત કરવા અને વધુમાં વધુ મતદાન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ ઑનલાઈન કેમ્પેઈન લૉન્ચ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પ્રથમવાર સિનિયર સીટીઝન અને દિવ્યાંગ માટે ઘરે બેસીને બેલેટ પેપર દ્વારા મતદાનની જાહેરાત કરાઈ છે. જેનો લાભ લેવા સિનિયર સીટીઝન અને દિવ્યાંગજને ફોર્મ ભરવાનું રહેશે, જેથી તેઓ આ વ્યવસ્થાનો લાભ લઇ શકે. ત્યારે હજુ પણ વધુ આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે PWD એપ્લિકેશનનો આવા લોકો માટે ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે. જે PWD એપ્લિકેશન મારફતે દિવ્યાંગજન રજીસ્ટ્રેશન કરાવી તેનો લાભ મેળવી શકશે.
રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થતા જ 8 જિલ્લામાં વિશિષ્ટ મતદાન મથકો ઉભા કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રે પહેલ કરી છે અને આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતપોતાની જગ્યાએ મતદાન કરી શકશે.