કોંગ્રેસ (Congress) સાથે નારાજગી હોવાની વાતો વચ્ચે હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપ (BJP) જોડાશે તેવી અટકળો ફરીથી તેજ બની છે. જામનગરમાં (Jamanagar) એક લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. જો કે અહીં આંખે ઉડીને વળગે એવી વાત એ હતી કે ડાયરામાં ભાજપ નેતાઓની સાથે હાર્દિક પટેલની હાજરી પણ જોવા મળી. જેના પગલે હાર્દિક ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ વધુ જોર પકડ્યુ છે.
જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પાંચમા દિવસે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી તથા લોક ગાયિકા કિંજલબેન દવે અને નિશાબેન બારોટ દ્વારા લોકડાયરા અને દાંડિયા રાસની જમાવટ બોલાવવામાં આવી હતી. જેમાં નેતાઓ, વેપારીઓ, શહેરના આગેવાનોની હાજરી જોવા મળી. જો કે આ ડાયરામાં મોટી ઘટના એ બની કે ડાયરામાં જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, રમેશ ધડુક, કાંધલ જાડેજા સહિતના નેતાઓ હાજર હતા. અહીં ભાજપના નેતાઓ સાથે હાર્દિક પટેલની હાજરી જોવા મળી. હાર્દિક પટેલ પણ ડાયરામાં હાજર રહેતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.
@HardikPatel_ seen along with BJP leaders in lok-dayro in #Jamnagar amid rumors of leaving Congress#Gujarat #TV9News pic.twitter.com/DvcMANr8JP
— Tv9 Gujarati (@tv9gujarati) May 6, 2022
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે, તે સૌકોઈ જાણે છે.. તાજેતરમાં હાર્દિકે પોતાને હિન્દુત્વવાદી નેતા પણ ગણાવ્યા હતા. જેના કારણે હાર્દિક ભાજપમાં જોડાય છે તેવી વાતો સામે આવી હતી. હાર્દિક પટેલે ગત સોમવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ‘કૉંગ્રેસ’ શબ્દ હટાવી દીધો હતો અને પાર્ટીના પ્રતિકની તસવીર પણ દૂર કરી હતી. આ અગાઉ પણ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતૃત્વ અંગે મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેવા સમયે ડાયરામાં ભાજપના નેતાઓ વચ્ચે હાર્દિક પટેલની હાજરી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે.
બીજી તરફ નારાજ હાર્દિક પટેલને મનાવવા રાહુલ ગાંધી એ ખુદ હાર્દિક સાથે વાત કરી હોવાના અહેવાલ છે. હાર્દિકને મનાવવા રાહુલ ગાંધી ખુદ મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને કૉંગ્રેસ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ મોકલ્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પુષ્ટિ કરી છે કે પાર્ટી નેતૃત્વએ હાર્દિક પટેલ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે બંને વચ્ચે થયેલી વાતચીતની વિગતો ફક્ત રાજ્યના પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે.
Published On - 11:11 am, Fri, 6 May 22