ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે.પ્રચાર અને પ્રસાર થકી રાષ્ટ્રીય નેતાઓ પણ મતદારોની નજીક પહોંચી રહ્યા છે. ત્યારે TV9 ની વિશેષ રજૂઆતમાં આજે વાત એક એવી બેઠકની કે જ્યાં ભાજપને જીત મેળવવા ભારે જહેમત માગી લે તેવું કામ છે. નવસારી જીલ્લાનો એક માત્ર તાલુકો કે જ્યાં 1962થી અત્યાર સુધીમાં ભાજપ માત્ર એકવાર જ ચૂંટણી જીતી શક્યું છે. આ બેઠક છે આદિવાસી વિસ્તારની વાંસદા બેઠક. ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે.
વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. જો રાજકીય સમીકરણોની વાત કરીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ ભાજપના ગણપત મહલા સામે 18,393 મતોની સરસાઈથી વિજેતા થયા હતાં. વાંસદામાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઈ ચૌધરીએ 25,616 મતોથી મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે અહીંના ધારાસભ્ય અનંત પટેલે સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો છેડીને આદિવાસીઓની જમીન બચાવવા સતત મહેનત કરી છે.
તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ એવી વાંસદા બેઠક માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્યએ વિકાસના કામથી લોકો શું ખુશ છે કે કેમ, શું મતદારોને પાયાની સુવિધાઓ મળી છે ? શિક્ષણ, રોજગારી અને આરોગ્યની શું સ્થિતિ છે ? જાણીએ વાંસદાના મતદારો પાસેથી.
જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1962થી 2017 સુધી 13 વખત ચૂંટણી યોજાઇ છે. 13 ચૂંટણી પૈકી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો અહીં વિજય થયો છે. એટલે કે 1962થી 2002 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી માત્ર 1 વખત ભાજપ જીત્યું છે. 2007માં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું. જો કે 2012માં કોંગ્રેસે ફરી ભાજપ પાસેથી બેઠક આંચકી. ગત વિધાનસભા ચૂંટણીમાં 2017ની ચૂંટણીમાં અનંત પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા.