Gujarat election 2022 : છેલ્લા 10 વર્ષથી ભાજપના દબદબા વાળી ભાવનગર પશ્ચિમની બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જામશે ત્રિપાંખિયો જંગ

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર છેલ્લા 10 વર્ષથી ભાજપનો દબદબો છે.ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી (Jitu vaghani)અહીં છેલ્લા બે ટર્મથી ચૂંટાતા આવે છે.આ બેઠક પર સૌથી વધારે કોળી સમાજના મતદારો છે .

Gujarat election 2022 : છેલ્લા 10 વર્ષથી ભાજપના દબદબા વાળી ભાવનગર પશ્ચિમની બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જામશે ત્રિપાંખિયો જંગ
Gujarat Bjp
Image Credit source: Representative image
| Edited By: | Updated on: Nov 06, 2022 | 8:54 AM

વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાશે. સામાન્ય રીતે આ બેઠક પર અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો રહેતો હતો અને આ મુકાબલામાં વિજેતા હંમેશા ભાજપ જ થયું હતું. છેલ્લા 10 વર્ષથી આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે અને જીતુ વાઘાણી અહીંથી વર્ષ 2012થી ચૂંટણી જીતતા આવ્યા છે, 2017માં જીતુ વાઘાણીને અહીંથી 83,701 વોટ મળ્યા હતા, પરંતુ આવખતે ચિત્ર જરા જુદું ઉપસી રહ્યું હોય તેમ લાગે છે.

આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા જ્ઞાતિના સમીકરણો મુજબ ભાજપ , કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની શકયતા છે અને મતોનું વિભાજન થતાં કોણ જીતશે કે કોણ હારશે તે કહેવું અતિશય મુશ્કેલ બન્યું છે.

 

ત્રણેય પાર્ટી વચ્ચે વહેંચાશે મત?

એક ચર્ચા મુજબ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપ પાટીદાર જીતુ વાઘાણીને રિપીટ કરે તેવી શકયતા છે. જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવાર કે.કે. ગોહિલને ટિકિટ આપવાનું મન બનાવી લીધું છે. ત્યારે સૌથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજના ઉમેદવાર રાજુ સોલંકીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપીને ભાજપ કોંગ્રેસનો ખેલ બગાડી નાખ્યો છે

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર છેલ્લા 10 વર્ષથી ભાજપનો દબદબો છે.ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી અહીં છેલ્લા બે ટર્મથી ચૂંટાતા આવે છે. આ બેઠક પર સૌથી વધારે કોળી સમાજના મતદારો છે . 70 હજાર મતદારો કોળી સમાજના છે જ્યારે ક્ષત્રિય સમાજના 42થી 45 હજાર મતદારો છે અને પાટીદાર સમાજના 22 હજાર મતદારો છે.

1975થી 2017 સુધી અહીં 10 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 5 વખત કોંગ્રેસ, 4 વખત ભાજપની જીત થઇ છે. 1995 સુધી બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1998માં ભાજપને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. 1998, 2002માં ભાજપના સુનિલ ઓઝા જીત્યા હતા. તો 2007માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી હતી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ ચૂંટણી જીત્યા હતા. 2012માં ભાજપે બેઠક પર પરચમ લહેરાવ્યો હતો. 2012 અને 2017માં જીતુ વાઘાણી ચૂંટણી જીત્યા હતા. જે પછી જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળ્યુ અને તેઓ શિક્ષણપ્રધાન બન્યા.