ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે દરેક રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ પ્રચાર શરુ કર્યો છે. સુરતમાં પ્રચાર કરી રહેલા તેજસ્વી સૂર્યાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિ-આરોપનો જંગ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ સુરતમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વી સૂર્યાએ આમ આદમી પાર્ટીને “જમાનત જપ્ત” પાર્ટી ગણાવી હતી. કહ્યું આ આમ આદમી નહીં પરંતુ જમાનત જપ્ત પાર્ટી છે. ગુજરાતમાં દરેક વિધાનસભાની સીટ ઉપર તેમની જમાનત થઈ જશે. તો આ તરફ સાવરકરના અપમાન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું, સાવરકર જીવીત હતા ત્યારે પણ કોંગ્રેસે અપમાન કર્યું હતું. હવે સાવરકરનું અપમાન નેહરુ બાદ રાહુલ ગાંધી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.