ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે (BJP) સૌરાષ્ટ્રની બેઠકો જીતવા કમર કસી છે. કારણ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રની બેઠકો પર મોટો ફટકો પડ્યો હતો. જેના કારણે ભાજપ 2 આંકડામાં આવી ગઈ હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છની 54 બેઠકો ઘણી નિર્ણાયક ગણાય છે. આ વખતે સૌરાષ્ટ્રની બેઠકોને લઈને ભાજપ કોઈ કસર બાકી રાખવા માગતી નથી. આ મહત્વપૂર્ણ બેઠકોની જો વાત કરીએ તો તેમા ગોંડલ, જેતપુર, જસદણ અને મોરબી બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો એવી છે. જેમા નવા ઉમેદવારોની સાથે જૂના જોગીઓ પણ ટિકિટ મેળવવા માટે લોબિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક વિખવાદનો પણ છે. આ વખતે માણાવદર, મોરબી (Morbi), જસદણ (Jasdan) બેઠકો પર સૌથી વધુ માથાપચ્ચી ભાજપને કરવી પડશે. આ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, અને કુંવરજી બાવળિયા પણ ટિકિટ માટે દાવેદારી કરશે તો જૂના જોગીઓ કેવુ વલણ અપનાવશે તેના પર સૌની નજર રહેશે.
સૌરાષ્ટ્રની ગોંડલ, જસદણ, મોરબી, અને જેતપુર બેઠક પર ટિકિટને લઈને ખેંચતાણા થવાના વરતારા અત્યારથી જોવા મળી રહ્યા છે. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધ સિંહ જાડેજા મેદાને છે તો જસદણ સીટ પર કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે ખેંચતાણ છે. જ્યારે મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા અને કાના અમૃતિયા દાવેદારી કરી રહ્યા છે. જેતપુર બેઠક પર જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ પણ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે.
જો કે હજુ સત્તાવાર રીતે ભાજપ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી એટલે ટિકિટ વાંચ્છુકો પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્ર માં પોતાની જમીન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની કુલ 45 બેઠકોમાંથી કોંગ્રેસ ને 23 બેઠકો જ્યારે ભાજપ ને 21 બેઠક મળી હતી. જ્યારે એક બેઠક NCPના ફાળે ગઈ હતી. જો કે 2017 થી 2022 સુધીમા કોંગ્રેસ 4 બેઠક ગુમાવી દીધી છે. લીમડી, મોરબી, જસદણ તથા માણાવદર માં કોંગ્રેસ ના MLA સમયાંતરે પક્ષ પલટો કર્યો. અને ભાજપ સાથે જોડાયા. બ્રિજેશ મેરઝા કુંવરજી બાવળિયા તથા જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમા આવ્યા. જ્યારે લીમડી બેઠક પર ભાજપે કિરીટ સિંહ રાણાને પેટાચૂંટણીમાં ઉતાર્યા જેથી વર્તમાન સમયમાં ભાજપની કુલ 24 બેઠક, કોંગ્રેસની 19 બેઠક થઈ.
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોની નારાજગીને કારણે ભાજપને મોટુ નુકસાન ભોગવવુ પડ્યુ હતુ. સૌરાષ્ટ્રની કુલ 45 બેઠકોમાંથી 23 બેઠકો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો છે. ભાજપે જીતવા માટે પાટીદારોને ભાજપ તરફ વાળવા ખૂબ જરૂરી છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં ઉત્તર ગુજરાતમાં 8, મધ્ય ગુજરાતમાં 10 દક્ષિણ ગુજરાતમાં 9 બેઠકો જ્યારે સૌરાષ્ટ્રમાં 23 બેઠકો છે. આથી જ ભાજપ આ વખતે ચૂંટણી પ્રચારમાં સૌરાષ્ટ્ર પર વધુ ફોકસ કરી રહી છે. જેમા તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટ અને મોરબીમાં પ્રચાર માટે આવ્યા હતા. પીએમ મોદી પણ ભાવનગર આવ્યા હતા.
Published On - 4:02 pm, Tue, 4 October 22