ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. બીજા તબક્કાની બેઠકો કબ્જે કરવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના કાંકરેજ બાદ પાટણમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે EVM મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
દરેક ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો EVM સામે સવાલો ઉઠાવતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ EVM મુદ્દે ફરી કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી. પાટણમાં આયોજિત જંગી જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત જ છે અને એ જીત કોંગ્રેસે જ નિશ્ચિત કરી છે. કોંગ્રેસ જ્યારે EVMને કોસવાનું ચાલુ કરે એટલે તમારે સમજી લેવાનું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે. કોંગ્રેસે મતદાન પૂર્ણ થાય એ પહેલા જ EVM સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસ ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો આપે છે અને ચૂંટણી પૂરી થાય એટલે EVMને ગાળો આપે છે.
પાટણમાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાટણ એટલે મેળાઓની ધરતી. એક મેળો પુરો ન થાય ત્યાં બીજો મેળો શરૂ થઈ જાય. પાટણ એટલે ભવિષ્યની તસવીર છે. તો વધુમાં કહ્યું કે મારા પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસે સ્વીકારી લીધુ છે કે ભાજપ જીતી રહી છે.
વધુમાં PM મોદીએ કહ્યું કે ભરોસાનું બીજુ નામ ભાજપ, લોકોની સમસ્યોઓના રસ્તાઓ શોધવા એટલે ભાજપ. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કોગ્રેસે ગરીબોના નામે વાયદાઓ જ કર્યા. કોંગ્રેસે ગરીબ અને અમીર વચ્ચેનું અંતર વધાર્યું. અમારી સરકારે ઘેર-ઘેર ગેસ પહોંચાડ્યા. 11 કરોડથી વધારે શૌચાલયો બનાવ્યા અને માતા-બહેનોની તકલીફો દૂર કરી. અમે ઈમાનદારીથી કામ કરીને કટકી બંધ કરાવી. કોરોનાકાળમાં ગરીબો ભૂખ્યા ઉંઘે નહીં તેવી વ્યવસ્થા કરાવી.
તો વધુમાં PM મોદીએ કહ્યું કે ઘરમાં કોઈ સભ્યને ગંભીર બિમારી આવી જાય તો તે 5 વર્ષ સુધી ઉભુ થઈ શકે નહીં. આયુષ્યમાન યોજનાએ માતા-બહેનોને તાકાત આપી. આયુષ્યમાન યોજનાથી 5 લાખ સુધીનો આરોગ્ય ખર્ચ સરકાર ઉપાડશે તો ઉમેર્યું કે સૌરઉર્જામાં પણ પાટણ દેશમાં ડંકો વગાડી રહ્યું છે. પહેલા રેલવે માટે આંદોલન ચાલતા હતા. આજે પાટણને રેલવે દ્વારા જોધપુર સુધી જોડવામાં આવ્યુ છે.