ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તેઓ બપોરે 11 કલાકે સમર્થકો અને તેમના પત્ની સાથે કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ પહેલા તેમણે પત્ની સાથે નાગનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને જીત માટે આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણી છેલ્લી બે ટર્મથી આ બેઠક પર જીતતા આવ્યા છે. આ વખતે તેમની ટક્કર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે છે. આ પહેલા તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવી ચૂક્યા છે. જેમાં પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડનો સમાવેશ થાય છે. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અમરેલી બેઠક માટે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં જોડાયા હતા.
અમરેલી જે કોંગ્રેસનો ગઢ ગણાય છે તેવી ખમતીધર બેઠક પર ભાજપે કૌશિક વેકરિયાને મેદાને જંગમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા સ્થાન પર નવા અને ટૂંકાગાળામાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે. આ ઉમેદવારો એવા છે જે જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે. અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આ બેઠક પર કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી સતત બે ટર્મથી જીતે છે.
ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી હાર સહન કરવી પડી છે. જોકે અહીં રોડ, શિક્ષણ અને આરોગ્ય સહિતની માળખાગત સુવિધાઓનો પણ જોઈએ તેટલો વિકાસ ન થયાની પ્રજાની ફરિયાદ છે. તો ખેડૂતોની ટેકાના ભાવે ખરીદીમાં વિસંગતતા અને વેપારીઓ પાલિકાના ટેક્સને લઈ પરેશાન છે. ત્યારે ભાજપ દ્વારા ઉતારવામાં આવેલા આ નવા ઉમેદવાર અહીં કેટલું કાઠું કાઢે છે તે તો ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે.
અમરેલી જિલ્લાની લાઠી બાબરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જનકભાઈ તળાવિયાએ, રાજુલા વિધાનસભા બેઠક માટે હીરા સોલંકીએ પણ ફોર્મ ભર્યું હતું. તેઓ પ્રાંત કચેરીએ ફોર્મ ભરતા હતા તે સમયે જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્ર બસિયા, મયુર હીરપરા, જીતુભાઈ ડેર સહિતના ભાજપનાં કાર્યકરો રહ્યા હાજર રહ્યા હતા.
તેમજ મોટી સંખ્યામાં બાબરા લાઠી દામનગરના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે આજે છેલ્લા દિવસે તમામ ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અહીં કેબિનટે મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ ભરત બોઘરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.
Published On - 2:25 pm, Mon, 14 November 22