ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જે અંતર્ગત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અંતર્ગત ચાંદખેડા અમદાવાદમાં જનસભા સંબોધી હતી. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે આ વિસ્તારની જનતા એ જ મને ચાર વાર ધારાસભ્ય બનાવ્યો અને તે વખતથી જ મોટેરા ચાંદખેડા અને ઝુંડાલમાં રોડ રસ્તા, ગટર, લાઈટ અને પીવાનું પાણીની સુવિધાઓ નિર્મિત થઈ. અમદાવાદ ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર શહેર એમ સમગ્ર વિસ્તાર શહેરી વિકાસની દ્રષ્ટિએ નમૂના રૂપ બન્યો છે કોંગ્રેસે અત્યાર સુધી તેના શાસનમાં જાતિ જાતિ વચ્ચે ઝેર રેડી તોફાનો જ કરાવ્યા અને વિકાસના નામે મીંડું કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને તોફાનોથી મુક્ત શાંત, સલામત અને શહેરી તેમજ ગ્રામીણ વિકાસમાં સમગ્ર દેશમાં આદર્શરૂપ બનાવ્યું
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજ દિન સુધી કોઈ તોફાની માથું ઊંચકી શક્યા નથી અને છેલ્લા 20 વર્ષમાં એક પણ વાર ભગવાન જગન્નાથની યાત્રા રોકવી ન પડે તે પ્રકારે આન, બાન અને શાન સાથે નીકળે છે.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશમાં પ્રથમ વખત 24 કલાક વીજળી આપતું રાજ્ય બનાવ્યું. કોંગ્રેસે તેના સમયમાં ગુજરાતને કોમી તોફાનમાં નંબર એક બનાવ્યું જ્યારે શ્રી મોદીજીએ વિકાસમાં ગુજરાતને નંબર એક બનાવ્યું.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ દરેક જગ્યાએ બોર્ડ લગાવે છે કે કોંગ્રેસના કામ બોલે છે પરંતુ છેલ્લા 32 વર્ષથી આ કોંગ્રેસ સત્તામાં જ નથી તો કયું કામ કોંગ્રેસનું બોલે છે. કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહ્યું છે. કોંગ્રેસના સમયમાં છાસવારે કૉમી તોફાનોને કારણે દસ વર્ષમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર ચાર વાર પ્રતિબંધ આવ્યો હતો અને વારંવાર આ યાત્રા પર પથ્થર મારો પણ થતો હતો 1985 થી 1990 દરમિયાન 365 માંથી 250 દિવસ ગુજરાતમાં કર્ફ્યુ રહેતો હતો. તેઓ કહ્યું કે 1995 થી ભાજપાનું શાસન આવ્યા બાદ કોંગ્રેસે પાળેલી તોફાનોની આદત 2002માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણપણે ભુલાવી દીધી.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે 2004 થી 2014 વચ્ચે કોંગ્રેસની સરકારે ગુજરાતની 9000 કરોડથી વધુની ક્રુડ રોયલ્ટી, નર્મદા માટેના 3200 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ માટે 1200 કરોડની સહાય રોકી, તે ઉપરાંત રેલવે ગેજ પરિવર્તન માટે મંજૂરી ન આપી, ખાતરમાં આપવામાં પણ કાપ મુક્યો તથા નેશનલ હાઈવે રિપેર કરાવવાની મંજૂરી પણ તેને ના આપી. ગુજરાતને હળાહળ અન્યાય કર્યો.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા સરદાર પટેલ, મોરારજી દેસાઈના સમયથી જ ગુજરાતને દાઢમાં રાખ્યું કારણ કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય જેને નેહરુ ગાંધી પરિવારને ચેલેન્જ આપી. આ માટે કોંગ્રેસે સરદાર પટેલ, મોરારજી દેસાઈ થી લઈને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સુધીનાને અન્યાય કર્યો. તેઓએ કહ્યું કે અને આ જ કોંગ્રેસ નર્મદા યોજનાને વર્ષો સુધી કોર્ટ કેસમાં ઉલજાવી રાખનાર મેઘા પાટકર ને પોતાની યાત્રામાં સાથે રાખીને ગુજરાતના ઘા પર મીઠું ભભરાવી રહી છે.
Published On - 11:06 pm, Fri, 2 December 22