
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. વૃદ્ધ મતદારો ચૂંટણીમાં હંમેશા હોંશે-હોંશે મતદાન કરતા હોય છે. ત્યારે 80 વર્ષથી વધુ વર્ષના મતદારો 12Dનું ફોર્મ ભરીને ઘરેથી જ પોતાનો મત આપી શકશે. રાજ્યના વૃદ્ધ મતદારો માટે ચૂંટણી પંચે ઘરેથી જ મતદાનની ખાસ વ્યવસ્થા ગોઠવી આપી છે. ત્યારે રાજ્યના વૃદ્ધ મતદારો માટે મતદાન કરવું હવે અત્યંત સરળ બન્યું છે. અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં વયોવૃદ્ધ મતદાતાઓને 12 Dનું ફોર્મ વિતરણ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 ઓક્ટોબર અગાઉ જ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ મતદાર યાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાની નોંધણી કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે. આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 માં વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા કે કોઈ કારણોસર મતદાન મથક સુધી ન પહોંચી શકનાર વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર (Postal ballot) ની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે.
ઘરેથી મતદાન કરનારાઓની સંખ્યા સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં નોંધાઇ છે. અમદાવાદમાં 100 વર્ષના સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરનારાઓમાં સામેલ છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદમાં છે. જયારે રાજ્યમાં 11, 000થી વધુ મતદારો શતાયું છે. તેમજ ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિકલાંગ અને દિવ્યાંગ મતદાર મતદાન મથકે જશે તેમના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર જ મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે.