
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને નાગરિકોનો લોકશાહી પર વિશ્વાસ વધુ દ્રઢ થાય તે માટે ચૂંટણીતંત્ર સુવ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ અને પૂરી પારદર્શકતા સાથે કાર્ય કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આ સાથે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઇંગ ટીમ તેમજ ખર્ચ નિરીક્ષક ટીમ–એમ ત્રિસ્તરીય વ્યૂહરચના ગોઠવવામાં આવી છે.
ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ રીતે, વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરીને મતદારો સુધી પોતાની વાત પહોચાડતા હોય છે. આ માટે તેઓ ખર્ચ કરતા હોય છે. જો કે કોઈપણ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા નક્કી કરી છે અને નિયમો બનાવ્યા છે. જે મુજબ, ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂપિયા 40 લાખ નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં, ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા-પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પણ ચૂંટણી પંચે નક્કી કર્યા છે. જો કોઈ ઉમેદવાર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરે તો ગેરલાયક ઠરે છે. એટલે દરેક ઉમેદવારે 40 લાખની મર્યાદામાં જ ખર્ચ કરવાનો હોય છે.
બીજી તરફ ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લામાં દરેક વિધાનસભા વિસ્તાર દીઠ બે-બે સભ્યોવાળી બે વીડિયો સર્વેલન્સ ટીમ, ત્રણ સભ્યની એક વીડિયો વ્યુઇંગ ટીમ તેમજ બે સભ્યોની ખર્ચ નિરીક્ષક ટીમ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બે વિધાનસભા વિસ્તારદીઠ એક ખર્ચ નિરિક્ષક તેમજ સમગ્ર જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી પણ નિયુક્ત થયેલા હોય છે.
સૌથી પહેલા રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા પોતાના મતવિસ્તારના ચૂંટણી અધિકારીને રેલી કે સભા યોજવા અંગે પૂર્વમંજૂરી માંગવામાં આવે છે. આ સભા-રેલી મંજૂરી પછી જ યોજી શકાય છે. ચૂંટણી અધિકારી પોતાની વીડિયો સર્વેલન્સ ટીમને તેની જાણકારી આપીને, જે-તે રેલી કે સભાનું વીડિયો રેકોર્ડિંગ કરાવે છે.
એ પછી વીડિયો વ્યૂઈંગ ટીમ આ વીડિયો રેકોર્ડિંગનું નિરિક્ષણ કરે છે અને રેલી કે સભામાં થયેલા ખર્ચની વિગતો 12 મુદ્દાના પત્રકમાં નોંધે છે. જો પત્રકમાં દર્શાવેલા ન હોય એવા મુદ્દે પણ ખર્ચ થયેલો જણાય તો, તેનો ખાસ ઉલ્લેખ કરીને નોંધ કરવામાં આવે છે. ઉપરાંત રેલી કે સભામાં, ભાષણમાં ક્યાંય અયોગ્ય શબ્દોનો પ્રયોગ નથી થયો ને, ક્યાંય આચારસંહિતાનો ભંગ થયેલો છે કે કેમ, તે પણ ખાસ જોવામાં આવે છે. એ પછી આ પત્રક કે અહેવાલ બે સભ્યોની બનેલી ખર્ચ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ખર્ચ સમિતિ ઉમેદવારના ખાતે આ ખર્ચ ઉમેરે છે. આ ઉપરાંત દરેક ઉમેદવારને પણ નિયત નમૂના સાથે પત્રક આપેલું હોય છે. જેમાં તેમણે જાતે જ પોતાનો ચૂંટણી ખર્ચ ઉધારવાનો હોય છે.
મહત્વનું છે કે, નામાંકન પછી ઉમેદવારે ચૂંટણી પંચની ટીમ સમક્ષ ત્રણવાર પોતાનું ખર્ચ રજિસ્ટર રજૂ કરવાનું હોય છે. ચૂંટણી પંચની ખર્ચ સમિતિ ઉમેદવારે રજૂ કરેલા ખર્ચની વિગતો અને પોતે એ ઉમેદવાર અંગે નોંધેલા ખર્ચની વિગતોને તપાસે છે અને જો ઉમેદવારે કોઈ ખર્ચ લખ્યો ના હોય કે તેના ધ્યાન બહાર ગયો હોય તો તે ઉમેરવા કહે છે. જો ઉમેદવારની ખર્ચ સીમા 40 લાખની નજીક પહોંચે તે પંચ દ્વારા તેને ખર્ચ મર્યાદા અંગે સૂચના પણ આપવામાં આવે છે.
આમ એક સુવ્યવસ્થિત તંત્ર દ્વારા ઉમેદવારો-રાજકીય પક્ષો દ્વારા કરાતા ચૂંટણીખર્ચ પર બારીક નજર રાખવામાં આવે છે અને નાણા પ્રલોભનથી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત નથી કરાતીને તેનું નિરિક્ષણ કરવામાં આવે છે. જો કોઈ ઉમેદવાર 40 લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચ કરે તો તે ગેરલાયક ઠરે છે.
Published On - 10:07 pm, Wed, 16 November 22