ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આજે સાંજે 5 વાગ્યે આદર્શ આચાર સંહિતા અંતર્ગત પ્રચાર બંધ કરવામાં આવશે. જોકે તે પહેલા છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવા માટે વિવિધ પક્ષઓ સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા માટે મથામણ કરી રહી છે, વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજો હાલ ગુજરાત ગજવી રહ્યા છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ આ વખતે એડી ચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં પરિવર્તનની આશાથી પ્રચંડ પ્રચાર કરી રહી છે ગત રોજ અરવિંદ કેજરીવાલથી માંડીને અલ્પેશ કથીરિયાએ સુરતમાં ચૂંટણીસભાઓ ગજવી છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો જાતે જ પોતાનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનના છેલ્લા દિવસના ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી ગુજરાતમાં જોવા મળ્યા નથી.
આ વખતની લડાઈ પરિવર્તન સામે પુનરાવર્તનની છે. જો કે નેતાઓના પ્રચાર દરમિયાન ઉમટતી ભીડનો ઝુકાવ કોના તરફ રહેશે તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે. જોકે ભાજપે સહેજ પણ કસર ન છોડતા છેલ્લા દિવસે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી માંડીને, જે.પી.નડ્ડા , યુવા સાંસદ તેજસ્વી સૂર્યા, સ્મૃતિ ઇરાની સહિતના દિગગ્જોને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના અન્ય નેતાઓ જેવા કે મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે.
ગુજરાતનો ગઢ જીતવા માટે ભાજપ સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે જોકે ભાજપની કવાયત હવે બેઠકો વધારવા માટેની છે ત્યારે ગુજરાતમાં અઢી દાયકાથી શાસન કરી રહેલી ભાજપ હવને સેહેજય કાચું રહી જાય તેવું ઇચ્છતી નથી. આથી જ સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં ત્યાં વડાપ્રધાનથી માંડીને સ્થાનિક દિગગ્જ નેતાઓએ ઝંઝાવાતી પ્રચાર કરવામાં સહેજેય પાછી પાની કરી નથી. ત્યારે કોંગ્રેસના ઉમેદવારો એકલા અટૂલા જાતે જ પ્રચારમાં જોડાયા છે છેલ્લી ઘડીના પ્રચારમાં પણ કોંગ્રેસના રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જોવા મળ્યા નથી. તેની સામે ભાજપે પોતાના ઉમેદવારોને સપોર્ટ કરવા માટે આક્રમક બેટિંગ કરતા રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતારી દીધી છે. આ ચૂંટણી પ્રચાર જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારો પોતાની શાખ પર બેઠકો ટકાવી રાખવામાં સપળ રહી શકે છે જ્યારે ભાજપના ઉમેદવારો પોતાની શાખ અને કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શનમાં આગળ વધી રહ્યા છે.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.