
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરાશે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કરશે. મહત્વનું છે કે ગઈકાલે દિલ્લીમાં ઉમેદવારોની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં ભાજપની બેઠક મળી હતી. ઉમેદવારો નક્કી કરવા ચાર કલાક કરતા વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં મળેલી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. આ વખતે નવા ચહેરાઓને ટિકિટ મળે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
ઉમેદવારોને લઇને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ મળી રહી છે. તેની સાથે જ કોઇપણના પરિવારજન કે સગાને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તે બોર્ડ લેતુ હોય છે. તો અનેક જગ્યાએ નો રિપીટ થીયરી આવે તેવુ લાગી રહ્યુ છે.
જો કે પ્રથમ યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો આર સી ફળદુ અને સૌરભ પટેલ પણ આ રેસ ની બહાર છે.