ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ વાગી ચુક્યા છે. રાજ્યના તમામ 182 વિધાનસભા બેઠકો માટે તમામ પક્ષોએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પણ તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ભરૂચની નાંદોદ વિધાનસભા બેઠક માટે પ્રથમવાર ભાજપે કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. અહીંથી ભાજપે વ્યવસાયે ડૉક્ટર એવા દર્શના દેશમુખને ટિકિટ આપી છે. દર્શના દેશમુખ સ્વ. ચંદુભાઈ દેશમુખના પુત્રી છે. ચંદુભાઈ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે અને લોકસભાના સાંસદ પણ રહી ચુક્યા છે.
ડૉ. દર્શના દેશમુખના પિતા સ્વ. ચંદુભાઈ દેશમુખ નર્મદા જિલ્લા જ્યારે ભરૂચ જિલ્લાનો હિસ્સો હતા તે સમયે 148 નાંદોદ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. નાંદોદ વિધાનસભા માટે તેમણે અનેક કામ કર્યા છે. આદિવાસી વિસ્તારમાં સ્વ. ચંદુભાઈ દેશમુખનું ઘણુ પ્રભુત્વ હતુ. તેઓ 1977માં જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 527 મતે વિજયી થયા હતા. ત્યારબાદ 1980માં પણ નાંદોદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પી.ડી. વસાવા 7,709 મતથી વિજેતા થયા હતા.
1980માં હાર બાદ સ્વ. ચંદુભાઈ દેશમુખ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1998માં તેમના અવસાન બાદ ડૉ. દર્શના દેશમુખ રાજકારણમાં સક્રિય થયા. 1998થી નાંદોદ વિધાનસભા બેઠક માટે સ્વ. ચંદુભાઈ દેશમુખના પરિવારમાંથી તેમના પુત્રી ઉમેદવાર તરીકે ટિકિટ માગતા હતા, પરંતુ કોઈ કારણોસર તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. આખરે 25 વર્ષ બાદ દેશમુખ પરિવારના સભ્ય ડૉ. દર્શના દેશમુખને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
નાંદોદ બેઠકના ઉમેદવાર ડૉ. દર્શના દેશમુખ સામે આ વખતે પણ પડકારો ઓછા નથી. તેમની સામે ભાજપમાંથી નારાજ થયેલા અને છેલ્લી બે ટર્મંથી ધારાસભ્ય રહેલા હર્ષદ વસાવાએ ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી યુવા નેતા હરેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જો કે ડો. દર્શના દેશમુખે પણ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
ઈનપુટ ક્રેડિટ- વિશાલ પાઠક- નાંદોદ
Published On - 5:20 pm, Thu, 17 November 22