Gujarat election 2022 : પક્ષપલટાની મોસમ જામી, મોહનસિંહ રાઠવા બાદ ભગા બારડ પણ ધારણ કરી શકે કેસરિયો!

ભગા બારડના સમર્થકોએ પણ એ બાબતને સમર્થન આપ્યું છે કે જો ભગા બારડ ભાજપમાં (BJP) જોડાશે તો તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ જશે. મોહન સિંહ રાઠવા બાદ ભગા બારડ પણ પક્ષપલટો કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

Gujarat election 2022 : પક્ષપલટાની મોસમ જામી, મોહનસિંહ રાઠવા બાદ ભગા બારડ પણ ધારણ કરી શકે કેસરિયો!
ભગા બારડ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ
| Edited By: | Updated on: Nov 09, 2022 | 8:02 AM

ચૂંટણી જેમ જેમ નજીર આવતી જાય છે તેમ તેમપક્ષ પલટાની મોસમ જામતી જાય છે અને ખાસ તો કોંગ્રેસના ગઢના કાંકરા ખરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ધારાસભ્ય મોહન રાઠવા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે ત્યારે કોંગ્રેસના વધુ એક સિનિયર ગણાતા નેતા તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ભગવો ધારણ કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ભગા બારડના સમર્થકોએ પણ એ બાબતને સમર્થન આપ્યું છે કે જો ભગા બારડ ભાજપમાં જોડાશે તો તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ જશે. મોહન સિંહ રાઠવા બાદ ભગા બારડ પણ પક્ષપલટો કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

કોણ છે ભગા બારડ?

ભગા બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી છે અને તેઓ પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભગા બારડે ભાજપમાં જોડાવા અંગે પોતાના સમર્થકો સાથે ચર્ચા કરી હતી અને કોંગ્રેસ પક્ષમાં તેમને સંઘર્ષ કરવો પડતો હોવાની ચર્ચા થઈ હતી, ઉપરાંત ભાજપમાં જોડાવા અંગે તેમના કાર્યકરોની અભિપ્રાય લેવામાં આવ્યો હતો. મિટિંગમાં આવેલા કાર્યકરોએ અને ભગા બારડના સમર્થકોએ ભગાભાઈના નિર્ણયને આવકાર્યો હતો. ત્યારે એવી તમામ શક્યતાઓ જોવામાં આવી રહી છે કે ભગા બારડ ભાજપમાં જોડાઈ જશે. મહત્વની બાબત છે કે, ગીરસોમનાથ જિલ્લામાં ભગા બારડ ભાજપમાં સામેલ થાય તો એ બેઠક માટે કોંગ્રેસના રાજડકીય સમીકરણોમાં મોટો ફેરફાર થઈ જશે.

લાઇમ સ્ટોનના ખનન કેસથી આવ્યા હતા ચર્ચામાં

2019ના વર્ષમાં ભગા બારડ કોર્ટ કેસના કારણે ચર્ચામાં આવ્યા હતા. ભગા બારડ ઉપર વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનનનો આરોપ મૂકાયો હતો. જેથી ગીર સોમનાથની મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી. કોર્ટે આપેલી સજાના પગલે વિધાનસભાના તત્કાલિન સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તાત્કાલીક એકશન લઈને તલાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગા બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા.

 

ધારાસભ્ય પદેથી ભગા બારડ સસ્પેન્ડ થતા ચૂંટણીપંચ દ્વારા તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર કરી દેવામાં આવી હતી. આ મામલે સસ્પેન્ડ ધારાસભ્ય ભગા બારડે હાઈકોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, તેમને નીચલી કોર્ટે આપેલી સજા ઉપર ઉપલી કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં તેમને સસ્પેન્ડ કરીને બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.

સામાપક્ષે હાઈકોર્ટમાં સરકારે પોતાના તરફથી રજૂઆત કરતા કહ્યું હતું કે, નિયમ અનુસાર ભગા બારડ ધારાસભ્ય પદે ચાલુ રહી શકતા નથી જેથી ખાલી પડેલી જગ્યા ભરવા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભગા બારડે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા તેમને મોટી રાહત મળી હતી અને હાઈકોર્ટના આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું સભ્ય પદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું હતું.

મોહનસિંહ રાઠવાએ ધારણ કર્યો કેસરિયો

કોગ્રેસમાંથી રાજીનામું આપનારા છોટા ઉદેપુરના આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા હતા. મોહનસિંહ રાઠવાના પુત્ર રાજુ રાઠવા પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રદીપ પરમાર, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોહનસિંહ રાઠવાએ કોગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. મોહનસિંહ રાઠવા 11 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે મોહનસિંહ રાઠવા અગાઉ કોંગ્રેસના દિગ્ગજ ગણાતા હિમાંશુ વ્યાસ પણ ભાજપમાં જોડાયા હતા.