
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: દાહોદ જિલ્લામાં મતદાતા જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ અનોખી પહેલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં એક સાહસિક પહેલ કરવામાં આવી છે. દાહોદના ઝુબિન કોન્ટ્રાક્ટરે પેરામોટરીંગ કરીને નગરમાં લોકશાહીના મહાપર્વમાં જોડાવા માટેનો સંદેશો લોકો સુધી પહોંચતો કર્યો હતો. તેમણે પેરામોટરીંગ દ્વારા આકાશમાં 300 મીટરથી ઉંચે સુધીની ઉડાન ભરી હતી અને મતદાર જાગૃતિ માટેના ચૂંટણી તંત્રના 5000 જેટલા પેમ્ફલે્ટસની દાહોદ નગરમાં વર્ષા કરી હતી. સામાન્ય નાગરિકો આ પહેલથી મંત્રમુગ્ધ બન્યા હતા અને હર્ષનાદથી તંત્રના પ્રયાસને વધાવી લીધો હતો.
દાહોદના ઝુબિન કોન્ટ્રાક્ટરે આકાશમાં 300 મીટરથી વધુ ઊંચેથી પેરામોટરીંગ કર્યું હતું. દાહોદમાં આ પ્રકારની પહેલ 2017માં કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં આ સાહસિક પહેલ કરવામાં આવી હતી. જેને સારો આવકાર મળ્યો હતો. દાહોદ નગરના ઝુબિન કોન્ટ્રાક્ટર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિની પહેલમાં પોતાના સાહસિક પ્રવૃતિ દ્વારા સહભાગી થયા હતા. તેમણે દાહોદના રામપુરાના ન્યૂ સ્ટોન કવોરી ખાતેથી સુરેશ પરમાર સાથે ઉડાન ભરી હતી અને દાહોદ નગરમાં ઠેર ઠેર મતદાર જાગૃતિના પેમ્ફલેટની આકાશમાંથી વર્ષા કરી હતી. તેમની આ સાહસિક પહેલને નગરજનોએ હર્ષનાદથી વધાવી લીધી હતી. ત્યારબાદ તેઓ રામપુરા ખાતે ઉતરાણ કર્યું હતું.
ઝુબિન કોન્ટ્રાકટરે જણાવ્યું કે રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે અને લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાતા જોડાય એ ઇચ્છનીય છે. તંત્ર દ્વારા મતદાતાઓને જાગૃત કરવા માટે સઘન પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે તેમાં સહભાગી થવાની મને સરસ તક મળી છે. વધુમાં વધુ લોકો મતદાનમાં જોડાય એ જ સંદેશો જનજન સુધી પહોંચે એ માટે પેરામોટરીંગ દ્વારા પ્રયાસ કર્યો છે. જિલ્લા ચૂંટણી તંત્રની કોઈ પણ મતદાતા મતદાન વિના રહી ન જાય એ માટેની ચીવટ પણ જોવા મળી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાતા જાગૃકતા માટે સઘન અભિયાન ચાલી રહ્યું છે. દરેક મતદાતા લોકશાહીના પર્વમાં સહભાગી બને એ માટે ગેસના બાટલા, તેની રિસીપ્ટ, સરકારી તેમજ ખાનગી દવાખાનાના કેસ પેપર, મેડીકલ સ્ટોર તેમજ દુકાનોના બીલ, શાળાઓ, વિદ્યાલયોમાં જાગૃકતા અભિયાન તેમજ ઠેર ઠેર દિવાલો ઉપર પણ મતદાન કરવા માટેના સંદેશા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રે પેરામોટરિંગની સાહસિક પહેલ પણ મતદાતાઓને જાગૃત કરવા માટે કરી છે તેને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
વિથ ઇનપુટ ક્રેડિટ, પ્રિતેશ પંચાલ, દાહોદ ટીવી9
ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:14 pm, Mon, 28 November 22