ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યુ છે. પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન થયુ છે.
જિલ્લા પ્રમાણે થયેલુ મતદાન
પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો છે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તહેનાત છે. મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ ખડેપગે છે.
લોકશાહીના ઉત્સવને વધાવવા માટે મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર -કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યાં વહેલી સવારથી જ મતદારોએ લાઇન લગાવી હતી. ઠંડી હોવા છતાં મતદારો સવારે જ મતદાન મથક પર પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Published On - 4:17 pm, Thu, 1 December 22