Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. જેમાં સરેરાશ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં થયેલું મતદાન વર્ષ 2017ની ચૂંટણી કરતા 6 ટકા જેટલું ઓછું છે. લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આદિવાસીઓ અવ્વલ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દાયકા દરમિયાન સૌથી ઓછું મતદાન થયું છે. મતદારોના નિરુત્સાહના કારણે ઉમેદવારોની ચિંતા વધી છે. તો બીજી તરફ બીજા તબક્કાને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના પ્રચારની કમાન વડાપ્રધાન મોદી અને અમિત શાહે સંભાળી છે. તો કોંગ્રેસના દિગ્ગજો પણ પોતાના તરફી માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ગુજરાત ધમરોળી રહ્યા છે. જો કે પ્રચારમાં ઉમટતી ભીડનો ઝુકાવ કોના તરફ રહેશે તેના પરથી 8 ડિસેમ્બરે પડદો ઉઠશે.
વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. અપ્સરા સિનેમા પ્રતાપનગરથી રોડ શોની શરૂઆત થઈ હતી. ચોખંડી, માંડવી, ચાંપાનેર, કોયલી ફળિયા થઈ જ્યુબેલી બાગ સુધી રોડ શો યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
વિજાપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નર્મદા યોજના મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી.અમિત શાહે પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે ઉત્તર ગુજરાતની ચિંતા નથી કરી. નર્મદા યોજનાને કોર્ટ કેસમાં ગૂંચવાયેલી રાખી. PM મોદીએ નર્મદા યોજનાને કોર્ટમાંથી વિજય અપાવ્યો અને નર્મદાના નીર મહેસાણા થઇને છેક રાજસ્થાન સુધી પહોંચાડ્યા.
વડાપ્રધાને જણાવ્યુ આજે ગિફ્ટ સિટી હોય, ધોલેરા, હોય સ્ટાર્ટઅપની દુનિયા હોય, આજે દેશ નવી ઉંચાઈએ જઈ રહ્યો છે. ગુજરાત તેનો અવસર લે, ગુજરાત વધુને વધુ આગળ વધે તેના પર કામ ચાલી રહ્યુ છે. આ વખતે પોલિંગ બુથ પર બધા જ જૂના રેકોર્ડ તૂટવા જોઈએ અને વધુને વધુ કમળ ખીલવા જોઈએ.
પીએમ મોદીએ કહ્યુ દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ક્યાંય હોય તો તે ભારતમાં છે. નીતિઓ બનાવવાનું કામ અમે કર્યુ છે. 2014માં આ દેશમાં 2 જ ફેક્ટરીઓ હતી. આજે 200 ફેક્ટરીઓ છે. 8 વર્ષ પહેલા ફોન આપણે ઈમ્પોર્ટ કરતા હતા આજે આપણે વિદેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ તરફ જવાની પહેલી શર્ત હોય છે સુરક્ષા. જો અપરાધ, હોય, સંકટ હોય તો ક્યારેય વિકાસ ન થાય, જે હોય તે પણ બર્બાદ થઈ જાય. અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના દિવસો આપણે પાછા નથી આવવા દેવાના, શાંતિ અને સદ્દભાવ સાથે આગળ વધવા માટે કામ કરી રહ્યા છે. આજે બહારના લોકો ગુજરાતની શાંતિ અને સલામતી જોઈને ગુજરાત તરફ નજર દોડાવી રહ્યુ છે. આજે દેશના આધુનિકરણ તરફ ભાજપ દિવસ રાત કામ કરી રહ્યુ છે.
પીએમ સ્વનિધિ યોજના દ્વારા કોઈપણ ગેરન્ટી વગર લારી ગલ્લા, પાથરણાવાળાને લોન આપવાનું કામ કર્યુ, લાખો લાર ગલ્લાવાળા, પાથરણાવાળા બેંકમાંથી લોન મેળવે છે. મુદ્રા યોજના અંતર્ગત 20 લાખ કરોડ રૂપિયા આ દેશના યુવાનોને આપ્યા છે અને આ યુુવાનો આત્મનિર્ભર બન્યા છે. આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સંકલ્પ લઈને આગળ ચાલી રહ્યા છે. દુનિયાની મોટામાં મોટી કંપની હવે ગુજરાતમાં હવાઈજહાજ બનાવવાની છે. સેમી કન્ડક્ટર ભારતમાં બનવાના છે, કેટલાક લોકો આલુ ચીપની વાત કરતા હતા, પરંતુ માઈક્રો ચીપ બનાવવાનું કામ ગુજરાતમાં થશે.
વડાપ્રધાને કહ્યુ આપણે પરિવાર લઈને બેઠા હોય તો પરિવારના સભ્યો પર ભરોસો કરવો પડે, તમારો ડ્રાઈવર હોય તો પણ તેના પર ભરોસો કરવો પડે, આજ દુનિયાનો નિયમ છે પરંતુ કોંગ્રેસને આ દેશની જનતા પર ભરોસો જ ન હતો. ભાજપની સરકારે આ દેશના નાગરિકો પર ભરોસો કર્યો. નાનામાં નાના માણસને લોન આપવાનુ કામ કર્યુ. વર્ગ 3અને વર્ગ 4માં ઈન્ટરવ્યુ પ્રથા જ બંધ કરી દીધી. દેશના નાગરિકો પર ભરોસો કરી અમે દોઢ હજાર જેટલા કાયદા જ રદ કરી નાખ્યા 40 હજાર જેટલા કમ્પાલયન્સિસ બંધ કર્યા. ભાજપ વેપારીઓ, કારોબારીઓ પર ભરોસો કર્યો, કંપની એક્ટમાં સુધારા કર્યા.
પીએમ મોદીએ જણાવ્યુ કે ભારતે કરદાતાઓના પૈસાથી આપણી પોતાની વેક્સિન બનાવી, તમારી જિંદગી બચાવવાનું કામ થયુ. એક પૈસો પણ લીધો વિના દેશા નાગરિકોને કોરોનામાંથી ઉગારવાનુ કામ થયુ. ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને 80 કરોડ દેશવાસીઓને મફત રાશન આપ્યુ. વન નેશન વન રાશન કાર્ડને કારણે દેશના ગરીબોને મદદરૂપ થવાનુ કામ કર્યુ. મહામારીના સમયે હજારો કરોડ રૂપિયા સરકારે સીધા બહેનોના ખાતામાં જમા કર્યા. ગરીબના ઘરમાં માંદગી આવે તો તેનુ બધુ લૂંટાઈ જાય પરંતુ આયુષ્યમાન યોજના થકી ગરીબોને પણ સારામાં સારી તબીબી સારવાર ઉપલબ્ધ થઈ શકે છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું બિલ સરકાર ભોગવે છે. સીમાંત ખેડૂતોની ચિંતા આ સરકારે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં વર્ષમાં 6000 રૂપિયા જમા કરાવ્યા. તેના માટે અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા તેના ખાતામાં જમા કરાવ્યા છે.
આ દેશના કરદાતાઓએ હંમેશા દેશને મદદરૂપ થવાનુ કામ કર્યુ છે. જ્યારે જ્યારે પણ દેશ પર સંકટો આવ્યા, આપણી માતાઓ અને બહેનો તેમના મંગળસૂત્રો પણ દેશને સોંપી દેતા હત એ આ દેશે જોયુ છે પરંતુ કોંગ્રેસે આ કરદાતાઓને લૂંટવાનું કામ કર્યુ. ઈમાનદાર કરદાતાઓના પૈસા બર્બાદ કરવાની કોંગ્રેસની સરકારોની ઓળખ બની ગઈ..
સાઉદી અરબના ઓફિશ્યલ સિલેબસમાં યોગાના ક્લાસ ભણાવવામાં આવે છે. બહેરીન અને યુએઈમાં ભારતના મંદિરો બની રહ્યા છે. ભારતનો ત્રિરંગો આજે સુરક્ષાની ગેરંટી બની ગયો છે. આજે અમેરિકામાં પણ ભારતનો ડંકો વાગે છે. યુરોપ, કેેનેડામાં પણ ભારતની જયજયકાર છે. આ બધાનુ કારણ માત્ર તમારા એક વોટને કારણે થયુ છે. આ તમારા વોટની તાકાત છે.
કોંગ્રેસ સરકારમાં ગરીબોના પૈસ એમના સુધી પહોંચતા જ નહોંતા, વચ્ચે જ બધુ ઉપડી જતુ હતુ. કોંગ્રેસના એક રૂપિયાના 15 પૈસા વાળા ખેલ અત્યારે બંધ જ થઈ ગયા. જ્યારે નેક નિયત હોય, સેવાનો ભાવ હોય ત્યારે જનતા જનાર્દનનું ભલુ કરવા માટેના જ કામ થતા હોય છે. આજે દુનિયામાં ભારતની શાખ વધી છે, પ્રતિષ્ઠા વધી છે. આ જે ભારતની સેનાઓ આતંકીઓને ઘરમાં જઈને મારે છે. આજે ભારત મદદ મેળવવા માટે હાથ નથી ફેલાવતુ, દુનિયાની મદદ કરવા માટે હાથ બઢાવે છે. કોરોના સમયે દુનિયાએ જોયુ કે આપણે ચીનથી આપણા નાગરિકોને સહીસલામત અહીં લાવ્યા. યુક્રેન સમયે ચારે તરફ યુદ્ધની સ્થિતિ વચ્ચેથી પણ આપણે આપણા નાગરિકોને સલામત સ્વદેશ લાવ્યા.
દેશમાં 6 નંબરેથી પાંચમાં નંબરે દેશની અર્થ વ્યવસ્થા પહોંચી ત્યારે સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો. તેનુુ કારણ છે 250 વર્ષથી અંગ્રેજોએ આપણા પર રાજ કર્યુ એ અંગ્રેજોને ખસેડીને આપણે 5માં નંબરની અર્થ વ્યવસ્થા બન્યા..
કોંગ્રેસમાં અને ભાજપમાં મૂળભૂત ફર્ક છે. દેશની સેવાને લઈને દેશ માટે વિચારવાની શક્તિમાં મોટો ફર્ક છે. કોંગ્રેસ માટે પરિવાર પહેલા, ભાજપ માટે દેશ પહેલા છે.
વર્ષ 2014માં જ્યાં સુધી કોંગ્રેસ રાજ કરતી હતી. ઈકોનોમીમાં આપણે 10માં નંબરે પહોંચી ગયા હતા. દેશની અર્થવ્યવસ્થા કોંગ્રેસનાકાળમાં 6થી 10 પહોંચી ગઈ હતી. લાખો કરોડોનો ગોટાળામાં જ કોંગ્રેસનો સમંય ગયો, 2014માં ભાજપની સરકાર બન્યા બાદ દેશમાં એક નવી ચેતના લાવવાનો પ્રયાસ કર્યો અને તેના પરિણામે 8 જ વર્ષમાં 10 નંબર પરથી અર્થ વ્યવસ્થાને 5માં નંબરે લઈ આવ્યા
આજે ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં ઘણુ આગળ છે. આજે ગુજરાત પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં દેશમાં નંબર વન છે. આજે ગુજરાત લોજિસ્ટીક પર્ફોમેન્સમાં નંબર 1 છે, આજે ગુજરાત નમક ઉત્પાદનમાં નંબર વન છે, આજે ગુજરાત સોલાર રૂફ ટોપમાં નંબર વન છે.
આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે. સૌથી મોટુ સ્ટેડિયમ ગુજરાતમાં છે. સૌથી વધુ હિરા ગુજરાતમાં પોલિશ થાય છે. આઝાદીના અમૃતકાળમાં ભારતને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યુ છે અને આગળ વધી રહ્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ ભાજપ અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કરે છે. આ હું નથી કહેતો. કોંગ્રેસ કહે છે. બે દિવસથી કોંગ્રેસના નિવેદન સાંભળશો તો ખ્યાલ આવશે કે ઈવીએમને ગાળો બોલે છે. સતત બે દિવસથી ઈવીએમને ગાળો આપવાનુ શરૂ કર્યુ છે. ચૂંટણીની અંદર મોદીને ગાળો બોલવાને અને મતદાન બાદ ઈવીએમને ગાળો બોલવાની.
આ ચૂંટણી કોણ ધારાસભ્ય બને, કોણ ન બને, કોની સરકાર બને, કોની ન બને, આ ચૂંટણી પાંચ વર્ષ ગાંધીનગરમાં કોણ સત્તા સંભાળે તેના માટે પણ નથી. આજના 25 વર્ષના યુવાનો માટે સ્વર્ણિમ સમય છે તેની જિંદગીનો. 25 વર્ષ પછી ગુજરાત કેટલુ સ્વર્ણિમ, મજબુત, દિવ્ય, ભવ્ય હોય તેનો પાયો નાખવા માટેનું આ વખતનું મતદાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શાહીબાગથી સરસપુર સુધી પીએમ મોદીનો રોડ સો યોજાયો છે. જેમા ભદ્રકાળી મંદિરેથી પીએમ મોદીનો કાફલો સારંગપુર પહોંચ્યો હતો. અહીં પીએમ મોદીએ ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીનો કાફલો આગળ વધ્યો હતો. વડાપ્રધાન મોદીની ઝલક જોવા માટે હજારો લોકો ઉમટ્યા હતા.
PM Modi Road Show : ભદ્રકાળી મંદિરમાં નગરદેવીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પૂજા અર્ચના | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/Y1TP4mfxP0
— Tv9 Gujarati (@tv9gujarati) December 2, 2022
વડાપ્રધાનના રોડ શો 2.0ની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાથી વડાપ્રધાન મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે. સાંજે 5 વાગ્યાથી અહીં લોકો પીએમને જોવા માટે આવી ગયા હતા. આજે ભદ્રકાળી મંદિરથી વડાપ્રધાને આ રોડ શોની શરૂઆત કરી છે. વડાપ્રધાને અહીં મા ભદ્રકાળીની પૂજા-અર્ચના કરી એક મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
સતત બીજા દિવસે અમદાવાદમાં PM મોદીનો રોડ શો યોજાયો છે. આ રોડ શો લાલ દરવાજા પહોંચ્યો છે. અહીં પીએમ મોદીએ નગરદેવી ભદ્રકાળી મંદિરના દર્શને પહોંચ્યા હતા. પીએમએ નગરદેવીની પૂજા અર્ચના કરી હતી.
અમદાવાદમાં સતત બીજા દિવસે પીએમ મોદીનો રોડ શો યોજાયો છે, શાહીબાગથી સરસપુર સુધી 15 કિલોમીટરનો આ રોડ શો છે. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી નગરદેવી ભદ્રકાળી માતાના પણ દર્શન કરશે.
થોડીવારમાં પીએમ મોદી શાહીબાગથી સભા સ્થળ સુધી રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે. આ દરમિયાન પીએમ મોદી ભદ્રકાળી માતાના દર્શન પણ કરી શકે છે. પીએમ મોદીના રોડ શોના રૂટની વાત કરીએ તો શાહીબાગ, ડફનાળા, ઘેવર સર્કલ, નમસ્તે સર્કલ, દિલ્લી દરવાજા, લકી રેસ્ટોરેન્ટ, વીજળી ઘર, ભદ્રકાળી મંદિર, IP મિશન, કોર્પોરેશન, આસ્ટોડિયા, રાયપુર દરવાજા, સાળંગપુર થઇ સરસપુર સુધી રોડ શો કરશે. રોડ શો બાદ પીએમ મોદી સભા સ્થળે પહોંચશે અને જનસભાને સંબોધન કરશે.
અમિત શાહે કહ્યુ કે ગુજરાતમાં પહેલા છાસવારે રમખાણો થતા હતા. પણ ભાજપ સરકારે ગુજરાતમાં શાંતિ સ્થાપિત કરી. અમિત શાહે કહ્યુ કે કાશ્મીર આપણું છે છતા 70 વર્ષ સુધી કોંગ્રેસે 370ની કલમ સાચવી રાખી. પણ પીએમ મોદીએ એક જ ઝાટકે દુર કરી દીધી. પણ 370 કલમ દૂર થવાથી દેશના દુશ્મનોને તકલીફ થઇ.
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં અમિત શાહે સભા સંબોધી. જેમા તેમણે જણાવ્યુ કે, તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો છે. ગુજરાતીઓએ બંન્નેનું રાજ જોયુ છે. કોંગ્રેસનું શાસન કેવુ હતુ કે વિજાપુરવાસીઓ સારી રીતે જાણે છે. કોંગ્રેસ અમારુ કામ બોલે છે તેવો દાવો કરે છે પણ 30 વર્ષથી જે લોકો સત્તામાં જ નથી તે લોકો કામ કેવી રીતે કરી શકે ? જેથી તમારા એક મતથી તમારા બાળકનું ભવિષ્ય નક્કી થશે.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી અંગે પંચમહાલના ગોધરામાં ભાજપની ખાનગી બેઠક યોજાઈ. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપના સ્થાનિક હોદ્દેદારોની બેઠક મળી હતી. જિલ્લાની 5 બેઠકોની સ્થિતિ અંગે પાટીલે જાણકારી મેળવી હતી અને ચૂંટણી અંગે ભાજપના સ્થાનિક હોદ્દેદારોને જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠકમાં પાંચ બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લામાં મતદાન થશે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે છતાં પણ પીએમ મોદીને આટલું બધું ફરવું પડે છે અને મહેનત કરવી પડે છે. કારણકે ભાજપ જાણે છે કે ગુજરાતની જનતામાં આક્રોશ છે. અમદાવાદના ઢાલગરવાડમાં પ્રચાર માટે નીકળેલા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને પીએમ મોદી પર વાગ્બાણ ચલાવ્યા.ઓવૈસીએ આક્ષેપ કર્યા કે ભાજપ અલ્પસંખ્યકોને ગાયબ કરવાની રાજનીતિ કરે છે. સાથે જ ઓવૈસીએ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે પણ ભાજપને ઘેરી. જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે ઢાલગરવાડમાં અસદુદ્દીન ઓવૈસીએ પગપાળા પ્રચાર કર્યો.. પ્રચાર દરમિયાન ઓવૈસી સ્થાનિકો અને દુકાનદારોને મળ્યા અને વધુમાં વધુ મતદાન કરવા પણ અપીલ કરી.
આણંદની ધરતી પર આવીએ એટલે આનંદ આવે. આણંદ તો પ્રેરણાની ભૂમિ છે. આણંદ તો સંકલ્પની ભૂમિ છે. આ એ ધરતી છે જ્યાં સરદાર પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્થાપિત કર્યો. રાજા રજવાડાઓને એક કર્યા. આ મારુ સૌભાગ્ય છે કે વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવાનો મોકો મળ્યો અને આજે આખી દુનિયામાં સરદાર પટેલનું નામ લોક ચર્ચામાં ચઢ્યુ. દુનિયામાં આ નામ સ્ટેચ્યૂની ઊંચાઇના કારણે ચર્ચામાં નથી. પણ સ્ટેચ્યૂની ઊંચાઇના કારણે સરદાર પટેલના વ્યક્તિત્વની ઊંચાઇની લોકોને જાણ થઇ. સરદાર પટેલના વખાણ UN સેક્રેટરી જનરલે મારી સમક્ષ કર્યા હતા.
આણંદ જિલ્લાના સોજીત્રામાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધતા કહ્યુ કે, કોંગ્રેસ જ્યારે ચૂંટણીના બે દિવસ પહેલા કાગારોળ ચાલુ કરી દે..EVM..EVM..EVMમાં ગડબડ.. કોંગ્રેસને હાર દેખાય એટલે EVM પર ઠીકરુ ફોડે. આખી ચૂંટણીમાં મોદીને ગાળો દેવાની અને મતદાન આવે એટલે EVMને ગાળો દેવાની.
કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું ચૂંટણીમાં હારના ડરના કારણે વડાપ્રધાન મોદીને અમદાવાદમાં રોડ શો કરવા પડે છે. પ્રથમ તબક્કામાં આદિવાસી વિસ્તારમાં ઉંચું મતદાન થયું છે. જેથી ભાજપના સૂપડા સાફ થઈ જશે. શહેરી વિસ્તારમાં જયાં કોંગ્રેસ નબળું છે. ત્યાં અમારા તરફી મતદાન થયું છે. વધુમાં કહ્યું, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા તમામ ઉમેદવારો હારી રહ્યા છે અને પ્રથમ તબક્કામાં ભાજપના બાગી નેતાઓએ દિલ ખોલી કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું છે.
પ્રથમ તબક્કામાં ઓછા મતદાન અંગે પૂર્વ DyCM નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, લગ્નસરાની સિઝનને લીધે ઓછું મતદાન થયું છે. તેમણે જણાવ્યુ કે ખેડૂતો માટે પણ શિયાળુ ખેતીની સિઝન ચાલી રહી છે. ખેડૂતો પોતાના કામમાં હતા તેની અસર મતદાન પર પડી. ગત ચૂંટણી કરતા આ વખતે સરેરાશ 5 ટકા મતદાન ઓછું થયુ છે.ઓછા મતદાનથી ભાજપને કોઈ નુકસાન નથી.
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામ ગનીયાબારીના લોકો અનેક પડકારો વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. ગામમાં મતદાન મથક ન હોવાથી સાત કિમી ચાલીને મતદાન કરવા લોકો જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે તેમના ગામમાં કોઇ પાયાની સુવિધા નથી.આજે પણ ગામ વિકાસ જંખી રહ્યું છે. આજે પણ રોડ કાચા છે. મુખ્ય માર્ગ સુધી જવા માટે કાચા અને ઢોળાવ વાળા રસ્તેથી પસાર થવું પડે છે. તો પીવાના પાણી માટે પણ લોકોને વલખા મારી રહ્યાં છે. પાણી માટે મહિલાઓને દૂર દૂર સુધી ભટકવું પડે છે.
તો વધુમાં PM મોદીએ કહ્યું કે, ઘરમાં કોઈ સભ્યને ગંભીર બિમારી આવી જાય તો તે 5 વર્ષ સુધી ઉભુ થઈ શકે નહીં. આયુષ્યમાન યોજનાએ માતા-બહેનોને તાકાત આપી. આયુષ્યમાન યોજનાથી 5 લાખ સુધીનો આરોગ્ય ખર્ચ સરકાર ઉપાડશે. તો ઉમેર્યું કે સૌરઉર્જામાં પણ પાટણ દેશમાં ડંકો વગાડી રહ્યું છે. પહેલા રેલવે માટે આંદોલન ચાલતા હતા. આજે પાટણને રેલવે દ્વારા જોધપુર સુધી જોડવામાં આવ્યુ છે.
તો વધુમાં PM મોદીએ કહ્યું કે, ભરોસાનું બીજુ નામ ભાજપ, લોકોની સમસ્યોઓના રસ્તાઓ શોધવા એટલે ભાજપ. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કોગ્રેસે ગરીબોના નામે વાયદાઓ જ કર્યા.કોંગ્રેસે ગરીબ અને અમીર વચ્ચેનું અંતર વધાર્યું. અમારી સરકારે ઘેર-ધેર ગેસ પહોંચાડ્યા. 11 કરોડથી વધારે શૌચાલયો બનાવ્યા અને માતા-બહેનોની તકલીફો દૂર કરી. અમે ઈમાનદારીથી કામ કરીને કટકી બંધ કરાવી. કોરોનાકાળમાં ગરીબો ભૂખ્યા ઉંઘે નહીં તેવી વ્યવસ્થા કરાવી.
પાટણમાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પાટણ એટલે મેળાઓની ધરતી. એક મેળો પુરો ન થાય ત્યાં બીજો મેળો શરૂ થઈ જાય. પાટણ એટલે ભવિષ્યની તસવીર છે. તો વધુમાં કહ્યું કે, મારા પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસે સ્વીકારી લીધુ છે કે ભાજપ જીતી રહી છે.
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ કોંગ્રસે મોટો દાવો કર્યો છે. પવન ખેડાએ કહ્યું, 89 માંથી 55 બેઠક કોંગ્રેસ જીતશે. ભાજપ હાર જોઈ ગઈ છે, એટલે જ આજે સુરતમાં દરોડા પાડ્યા.
Congress’s big claim on 1st phase of #GujaratElections : ‘We will win 55 out of 89 seats’: Pawan Khera#Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/fWopfb33P4
— Tv9 Gujarati (@tv9gujarati) December 2, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોનું મતદાન થઈ ચૂક્યુ છે. જેમાં અનેક જગ્યાએ ફરિયાદો ઉઠી હતી. તો આ તરફ જુનાગઢમાં પણ મતદાન સમયે ભાજપના કાર્યકર સાથે માંગરોળના આપ ઉમેદવાર પિયુષ પરમારની બોલાચાલી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત 6 શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માળિયા પોલીસે આરોપી પિયુષ પરમારના ભાઈ દીપક પરમારની અટકાયત પણ કરી છે. આપને જણાવી દઈએ કે, આમ આદમીના પાર્ટી ના ઉમેદવાર હાલ ફરાર છે. પોલીસે હાલ આપ ઉમેદવારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ મોટી જાહેરાત કરવાના મૂડમાં છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ ઓબીસી નેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. ખાસ તો કોંગ્રેસ OBC મુખ્યપ્રધાન અને અન્ય 3 નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યૂલા ઉપર કામ કરી રહી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા 5 ડિસેમ્બર પહેલા જ આ જાહેરાત થાય તેવી શક્યતા છે. કારણ કે બીજા તબક્કામાં ઓબીસી મતદારોની સંખ્યા વધુ છે. આજે કોંગ્રેસના પ્રચારનો મોરચો મલ્લિકા અર્જુન ખડગેએ સંભાળ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તમારી વચ્ચે જ મોટો થયો છું. સન્માન નિધીમાં કોઈ પણ પ્રકારની કટકી ન થાય તે પ્રમાણે વ્યવસ્થા કરી. સીધા ખેડૂતોના ખાતામાં જ પૈસા જમા થાય છે. વધુમાં ઉમેર્યું કે, મહેસાણા જિલ્લામાં નવો ઉદય થવાનો છે. અંબાજીના વિકાસથી લાખો લોકોને રોજગારી મળી.
તો વધુમાં PM મોદીએ કહ્યું કે, તમે આશીર્વાદ આપો એટલે વધુ સારી રીતે કામ કરીએ. પહેલા 4 કરોડ એવા વ્યક્તિના નામે રાશન કાર્ડ હતુ, જેનો જન્મ જ નહોતો થયો. ગરીબોનું અનાજ 4 કરોડ લોકો ખાઈ જતા હતા. ભાજપ સરકારે 20 કરોડ રાશન કાર્ડને આધાર સાથે જોડી દીધા. 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યુ. કોરોનામાં દરેક વ્યક્તિને મફત રસી આપી. કોરોના કાળમાં દેશમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો સુવે નહીં તેની ચિંતા કરી.
આજે સમગ્ર દેશમાં બનાસકાંઠાને બટાકાના કારણે ઓળખ મળી. તો દાડમના કારણે પણ બનાસકાંઠાની ઓળખ વધી છે. જે કહું એ કરવાનું જ એનુ નામ મોદી. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને જેમાં પોતાનુ ભલુ ન દેખાય એ કામ કરતા જ નહોતા. તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કામ કર્યું હોય તો મત આપજો. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ વગર કામ નહોતા થતા. ભ્રષ્ટાચારીઓ સામે પગલા લીધા તો કેટલાકના પેટમાં તેલ રેડાયુ.
વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં સભા સંબોધન કરતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં જનતાએ ભાજપનો ડંકો વગાડી દીધો.
લોકોએ ભાજપની જીત પાક્કી કરી છે. ભાજપ તમામ રેકોર્ડ તોડવાની છે. તો વધુમાં કહ્યું કે, હું કાશીનો સાંસદ છું પશુપાલનું કામ જાણ છું. દેશમાં જેટલુ અનાજનું ઉત્પાદન થાય છે તેનાથી વધારે ઉત્યાદન દૂધનું થાય છે. બનાસ ડેરીના બ્રાન્ચ પણ હવે કાશીમાં બની રહી છે.
મહેસાણામાં સભા સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, મહેસાણા બેચરાજીની સીટ આપણા માટે ખૂબ મહત્વની છે. 5મી તારીખે આપ સૌ એ ચુંટણી માટે મતદાન કરવાનું છે. હું અપીલ કરું છું ભારે બહુમતીથી સુખાજી ઠાકોરને વિજેતા બનાવો. તો વધુમાં કહ્યું કે, તમારા મતથી ગુજરાત અને દેશને સલામત બનાવશે. દેશમાં વિકાસ યાત્રાની શરૂઆત કરી છે. ગુજરાતની જેમ દેશને સલામત અને શાંત બનાવવાની કવાયત કરી છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસિયાઓએ જાતિ-જાતિ વચ્ચે લડાઈ કરાવી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહેસાણા પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે અહીં તેઓ બેચરાજી બેઠકના ઉમેદવારનો પ્રચાર કરશે. થોડીવારમાં તેઓ નુગર ગામ પાસે 84 કડવા પાટીદાર સંકુલ ખાતે સભા સંબોધશે. બેચરાજી બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી. આથી ગુમાવેલી બેઠક જીતવા અમિત શાહ હાલ મેદાને ઉતર્યા છે. આ બેઠક પર મોટા ભાગે ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. બેચરાજીમાં પ્રથમ વખતભાજપે સુખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે 6 બેઠકોને લઇને ફરિયાદ નોંધાવી છે. જેમાં જામનગર બેઠક પર ધીમું મતદાન કરાવવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. તો બોટાદમાં 11 બુથ પર બોગસ મતદાન થયાની કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. લીંબડીમાં બુથ કેપ્ચરિંગની ફરિયાદ તથા ભાજપની જાહેર સભાના પ્રવચન બાબતે પણ કોંગ્રેસે ફરિયાદ કરી છે. તથા સુરતના પરસાણામાં સરકારી અધિકારીઓએ રાજકીય પાર્ટીઓના ખેસ અને ઝંડા સાથે મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ કોંગ્રેસે નોંધાવી છે.
બીજા તબક્કાના મતદાન માટે દરેક રાજકીય પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે દિગ્ગજ નેતાઓએ મહેસાણામાં ધામા નાખ્યા છે. મહેસાણાના નુગર ગામમાં ગૃહ મંત્રી અમિત શાહની સભા છે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કડીમાં રોડ શૉ કરશે. આ તરફ રાત્રે 8 વાગ્યે મહેસાણામાં પરશોત્તમ રૂપાલા પણ સભા ગજવશે. તો મહેસાણાના ગોઝારિયામાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ સભા યોજી મતદારોને રીઝવવા મથામણ કરશે.
ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયુ હતુ. ત્યારે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ગુજરાતનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના લોકો, તમે આજે ખૂબ સારું કામ કર્યું છે. પરિવર્તન…
गुजरात के लोगों, आपने तो आज बहुत बड़ा कमाल कर दिया।
परिवर्तन
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 1, 2022
વલસાડના ધરમપુરમાં કાકડકુવા ગામમાં મતદાન બાદ બબાલ થઇ. ચૂંટણી એજન્ટો અને ગામ લોકો વચ્ચે બબાલ થતાં માહોલ ગરમાયો. ગ્રામજનોનો આક્ષેપ છે કે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન બસમાં મુકાઇ ગયા હતા. પરંતુ બસમાંથી EVM પાછા ઉતારી સ્કૂલમાં લવાયા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે એજન્ટોએ EVM સાથે છેડછાડ કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો. તો બીજી તરફ વિવાદ થયા બાદ EVMમાં છેડછાડ થઇ હોવાના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. કલેક્ટરે કહ્યું કે EVMમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. EVM સિલ કરવાનું રહી ગયું હોવાથી ફરી ઉતારવામાં આવ્યાં હતા.
બીજા તબક્કા માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહી છે.પીએમ મોદીની સાથે સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ મતદારોને ભાજપ તરફી મતદાન કરવા જંગી સભાઓ રોડ શો યોજશે. અમિત શાહ સવારે 10 કલાકે મહેસાણાના નુગર ગામમાં જાહેર સભા સંબોધશે. જે બાદ બપોરે 2.30 કલાકે મહેસાણાના વિજાપુરમાં જનસભા સંબોધશે. તો સાંજે 4 કલાકે વડોદરામાં અપ્સરા સિનેમાથી રાવપુરા સુધી રોડ શો કરશે અને સાંજે 7 કલાકે અમદાવાદના ચાંદખેડામાં ન્યૂ સીજી રોડ ખાતે જાહેર સભા યોજશે.
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા દહેગામ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના મહામંત્રી કમલેશ ત્રિવેદી પણ ભાજપમાં જોડાયા છે.
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પીએમ મોદી જંગી જનસભાને ગજવશે. આજના પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરામાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં 11 કલાકે જનસભાને સંબોધન કરશે, ત્યારબાદ પીએમ મોદી પાટણ પહોંચશે..અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધુંઆધાર પ્રચાર કરશે. પાટણ બાદ પીએમ મોદી બપોરે 2-45 કલાકે આણંદના સોજીત્રામાં પહોંચશે અને જનસભાને સંબોધન કરશે. તો સાંજે 6 વાગે અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે.
આ વખતે લોકોએ મતદાનની પેટર્ન પણ બદલી નાખી. દર વખતે એવું બનતું કે સવારના સમયે અને બપોર બાદ મતદાન વધારે નોંધાતું હતું. પરંતુ આ વખતે સવારના સમયે ખૂબ નિરાશાજનક મતદાન થયું હતું. બપોર સુધી ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોએ લોકોને મતદાન કરાવવા માટે દોડાદોડી કરવી પડી હતી. જેના ઘણા સ્થળે છેલ્લા કલાકોમાં મતદાન ઊંચકાયું હતું. તેમ છતાં આધુનિક સમયમાં આશા રાખીએ તેના કરતા ખૂબ જ ઓછું મતદાન થયું છે.
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું છે. લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આદિવાસીઓ અવ્વલ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દાયકા દરમિયાન સૌથી ઓછું મતદાન થયું છે. મતદારોના નિરુત્સાહના કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે આ વખતે કુલ 4 લાખ 75 હજાર 228 નવા મતદારો ઉમેરાયા હતા અને કુલ મતદારોમાં 48 ટકા જેટલા મતદારો તો 18 વર્ષથી 45 વર્ષની વયના હતા. જેના કારણે મતદાન વધશે તેવી આશા હતી. પરંતુ અનેક લોકો લોકશાહીના આ પર્વની ઉજવણીના ભાગીદાર ન બન્યા.
Published On - 9:41 am, Fri, 2 December 22