કોંગ્રેસ (Congress) નેતૃત્વએ ગુજરાત (Gujarat) ની સંપૂર્ણ જવાબદારી હવે પ્રશાંત કિશોરને સોંપી છે. ત્યારે પ્રશાંત કિશોર (Prashant Kishor) નવી રણનીતિ સાથે ગુજરાતની રાજનીતિ (Politics) માં સક્રિય થાય તેવી શક્યતા છે. ત્યારે વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોર ‘PODAM’ થીયરીને ગુજરાતમાં લાગુ કરી શકે છે. ‘PODAM’ થીયરી એટલે કે P એટલે પાટીદાર, O એટલે ઓબીસી, D એટલે દલિત, A એટલે આદિવાસી અને M એટલે મુસ્લિમ મતદારોને આકર્ષવા માટેની રણનીતિ બનાવી શકે છે અને કોંગ્રેસ ‘PODAM’ થીયરીથી ગુજરાતનો ગઢ સર કરવાના સપના જોઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે માધવસિંહે સોલંકી રાજ્યમાં ખામ થીયરી લાવ્યા હતા અને જેના પરિણામે તેમણે સત્તા મેળવી હતી. ખામ થીયરીમાં ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ એમ ચાર સમાજનો સમાવેશ થતો હતો. આ વખતની ‘PODAM’થીયરી તેમાં પાટીદારોના સમાવેશ સાથેનું નવું સ્વરૂપ છે. ખામ થીયરી અપનાવ્યા બાદ 1980માં વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતી હતી, આ વિક્રમ આજ સુધી ગુજરાતના એક પણ રાજકીય પક્ષ કે મુખ્યમંત્રી તોડી શક્યા નથી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદારોનો સાથે મળ્યો હતો જેના કારણે સત્તા મેળવવાની અણી સુધી પહોંચી ગઈ હતી અને 182 સભ્યોની વિધાનસભામાં 77 બેઠકો જીતી લીધી હતી. ભાજપ માંડ મા઼ંડ સત્તા બચાવી શકી હતી. આ વખતે પણ કોંગ્રેસ પાટીદારોનો સાથ મળે તેવા પ્રયાસ કરી રહી છે. તેથી તે લેઉવા પાટીદાર નેતા નરેશ પટેલમાં કોંગ્રેસમાં લાવવા માટેના પ્રયાસ કરી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટેની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત હાર્દિક પટેલ પણ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. વાત એવી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને CM પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે. પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મોટા ચહેરા સાથે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું જોઈએ. પ્રશાંત કિશોરની આ જ સલાહ કોંગ્રેસે માની છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, 21 એપ્રિલે આદિવાસી સમાજના સંમેલનમાં 5 લાખ લોકોને સંબોધશે
Published On - 7:30 pm, Wed, 30 March 22