વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસ 1.55 કરોડ પત્રિકાઓ સાથે ખુંદશે ગુજરાત, 52 હજાર બુથ દીઠ 300 ઘર સુધી પહોંચવાનો લક્ષ્યાંક

Gujarat Election: વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 1.55 કરોડ પત્રિકાઓ સાથે જનતા દરબારમાં જશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરના જણાવ્યા મુજબ તેમનો 52 હજાર બુથ દીઠ 300 ઘર સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. આ પત્રિકામાં કોંગ્રેસના 8 વાયદા અને સરકારની 6 નિષ્ફળતા કોંગ્રેસે ગણાવી છે.

વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસ 1.55 કરોડ પત્રિકાઓ સાથે ખુંદશે ગુજરાત, 52 હજાર બુથ દીઠ 300 ઘર સુધી પહોંચવાનો લક્ષ્યાંક
1.55 કરોડ પત્રિકા સાથે કોંગ્રેસનો પ્રચાર
| Edited By: | Updated on: Sep 18, 2022 | 9:24 PM

વિધાનસભા ચૂંટણી પહેલા જનતા દરબારમાં જવા કોંગ્રેસે (Congress) પત્રિકાઓનો સહારો લીધો છે. આગામી 24થી 26 સપ્ટેમ્બર સુધી મારુ બુથ મારુ ગૌરવ હેઠળ રાજ્યના 52 હજાર બુથ (Booth) પર કાર્યકરો પહોંચશે. એક બુથના 300 ઘરો સુધી નાગરિક અધિકાર પત્ર વહેંચવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. આ પત્રિકામાં કોંગ્રેસના 8 વાયદાઓ અને ભાજપ (BJP) સરકારની 6 નિષ્ફળતા બતાવવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર (Jagdish Thakor)ના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં અત્યાર સુધી ક્યારેય ના બની હોય તેવી અભૂતપૂર્વ ઘટના બનવા જઈ રહી છે. રાજ્યના દરેક બુથમાં ઘર-ઘર સુધી પહોંચવા કોંગ્રેસે 1 કરોડ 55 લાખ પત્રિકાઓ તૈયાર કરી છે. જે પત્રિકાઓ લઈને કોંગ્રેસના કાર્યકરો 24થી 26 સપ્ટેમ્બર રાજ્યભરમાં ફરશે.

1.55 કરોડ પત્રિકા સાથે ઘર ઘર સુધી પહોંચવા અપાયા ટાસ્ક

કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ટિકિટ માટે દાવેદારી કરનારને પત્રિકાઓ ઘર ઘર સુધી પહોંચે એ માટે ટાસ્ક અપાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ઇતિહાસમાં ક્યારેક ના બન્યું હોય એમ એકસાથે 52 હજાર બુથ પર કોંગ્રેસ પહોંચશે અને લોકોને સાથે જોડશે. જગદિશ ઠાકોરે જણાવ્યુ કે પત્રિકા સાથે અમે એ વચન પણ આપીશું કે જે 8 વાયદાઓ કોંગ્રેસે કર્યા છે એ અમારી સરકાર બનતા જ પૂર્ણ કરાશે.

શું છે કોંગ્રેસની પત્રિકામાં?

જગદિશ ઠાકોરે જણાવ્યુ કે રાહુલ ગાંધીએ જે આઠ વચનો આપ્યા હતા તેને કોંગ્રેસે ‘નાગરિક અધિકાર પત્ર’ નામ આપ્યું છે. જેમાં દસ લાખની મફત સારવાર, ખેડૂતોનું ત્રણ લાખ દેવું માફ, 10 લાખ યુવાનોને રોજગારી અને યુવાનોને 3હજાર બેરોજગારી ભથ્થુ સહિતના મુદ્દાઓ સામેલ છે. પત્રિકાની એક તરફ કોંગ્રેસના વાયદાઓ તો બીજી તરફ ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય, ડ્રગ અને ખેડૂતોની સ્થિતિનું વર્ણન છે.

બુથ ઈન્ચાર્જને જવાબદારી

કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે તમામ બુથ પર નિમણૂક કરી ચૂક્યું હોવાનો દાવો કર્યો છે. બુથ ઇન્ચાર્જને બુથમાં પક્ષની કામગીરીની જવાબદારી અપાઈ છે. જેમાં પક્ષનો ખેસ પહેરી વધુમાં વધુ લોકો સાથે પત્રિકા વિતરણ કરવું, પેજ પ્રભારીની નિમણૂક કરી પ્રભારી વારંવાર પેજના 30 મતદારોના સંપર્કમાં રહે એનું ધ્યાન રાખવું. કોંગ્રેસના કોર મતદારો મતદાનથી રહી ન જાય એનું ધ્યાન રાખવું.

Published On - 9:01 pm, Sun, 18 September 22