ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું નામ પણ સામેલ છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા માટે જે.પી. નડ્ડા ગુજરાત પ્રવાસે છે. જે.પી. નડ્ડાએ TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમાં તેમણે ચૂંટણીમાં ભાજપને જ બહુમત મળશે તેવુ જણાવ્યુ હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. ત્યારે TV9 સાથેની ખાસ વાતચીતમાં જે.પી. નડ્ડાએ ફરી એક વખત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા. નડ્ડાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ પ્રત્યે એકતરફી માહોલ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી અને પંજાબના પૈસે જાહેરાતો કરે છે. પરંતુ યુપીની જેમ ગુજરાતમાં પણ આપના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે.
તેમણે જણાવ્યુ કે બીજી તરફ કોંગ્રેસ પણ ખતમ થઇ રહી છે. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે ગુજરાત અને નર્મદાનો વિરોધ કરનારા મેધા પાટકરને સાથ આપી કોંગ્રેસે પણ તેની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે. તેમણે કહ્યું કે ભાજપમાં ટિકિટ ન મળવાથી અપક્ષ ઉમેદવારી કરનારા બળવાખોરની નારાજગીની પક્ષને કોઇ નુકસાન નહીં થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ, પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.
Published On - 1:00 pm, Sat, 19 November 22